૭ નવેમ્બરે વોટફર્ડ નજીક આવેલા ભક્તિવેદાંત મેનોર હરે કૃષ્ણ મંદિર ખાતે પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી કરવા ઉપસ્થિત હજારો લોકો સાથે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ જોડાયા હતા. આ ઉત્સવના મુખ્ય આકર્ષણોમાં રંગબેરંગી નૃત્યો, પ્રાચીન ભારતના ઈતિહાસ પર આધારિત નાટકો, ભક્તિ સંગીતનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, સમગ્ર દિવસ દરમિયાન હજારો મહેમાનોને ફ્રી વેજિટેરિયન ભોજન આપવામાં આવ્યું હતું. ૧,૫૦૦ વોલન્ટિયર્સ પાંચ દિવસ સુધી આ કાર્યક્રમની તૈયારીમાં જોડાયા હતા.
કાર્યક્રમના આયોજક અજય કુમારે જણાવ્યું હતું કે તેમણે સરકારની કોવિડ ગાઈડલાઈન્સનું કડકપણે પાલન કર્યું છે અને બહુ લોકોની ભીડ ન થાય તથા આ તહેવારને નાનાથી લઈને મોટી વયના લોકો માટે સલામત બનાવવા કાર્યક્રમમાં હાજર રહેવા માટે ટિકિટ રાખવામાં આવી હતી.
ભારતીય સ્ટાઈલના પરિધાનમાં સજ્જ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ ગ્રાઉન્ડમાં ફર્યા હતા. તેમાં જ્યોર્જ હેરિસન ગાર્ડન અને ત્યારપછી મુખ્ય મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરમાં તેમણે પૂજા વિધિ કરી હતી અને મંદિરના મુખ્ય પૂજારીના આશીર્વાદ લીધા હતા
ઈસ્કોનના સ્થાપક ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદના રૂમોની મુલાકાત લીધા પછી તેમણે વૃંદાવનમાં આવેલા પવિત્ર સ્થળો વિશેનું પ્રદર્શન નિહાળ્યું હતું. ત્યાં તેમને ભારતના સંખ્યાબંધ ધાર્મિક સ્થળોની માહિતી આપતું પુસ્તક અર્પણ કરાયું હતું. તે પછી તેઓ મેનોરના નવા ગોકુલ ફાર્મ ગયા હતા. તેમણે ગાયોની પૂજા કરી હતી અને તેમને ગાજર ખવડાવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે દિવાળીના આશીર્વાદ લેવા માટે ફરી ભક્તિવેદાંત મેનોર આવવાનું તેમને સન્માન જેવું લાગે છે. તેમણે સૌનૌ આભાર માન્યો હતો.
મંદિરના પ્રેસિડેન્ટ વિશાખા દાસીએ જણાવ્યું કે દિવાળી પરિવાર માટેનો સમય છે. તે ઉપરાંત પ્રાર્થના, ત્યાગ અને ચેરિટી માટેનો સમય છે.