લંડનઃ ભક્તિવેદાંત મેનોર ખાતે વિવિધ કાર્યક્રમો અને ઉત્સવોનું આયોજન થતું રહે છે. 9 જુલાઈથી 13 ઓગસ્ટ 2023સુધી દર રવિવારે ‘સન્ડે લવ ફીસ્ટ’માં ગીત, નૃત્ય, સંસ્કૃતિ અને ડહાપણ સાથે મનોરંજન, કૃષ્ણચેતનાના તત્વજ્ઞાનનો ઉપદેશ સાંભળવો અને પ્રસાદઉજાણીનો આધ્યાત્મિક આનંદ લેવો એ ખરેખર માણવાલાયક કાર્યક્રમ છે. શ્રી કૃષ્ણ હવેલીમાં ‘સન્ડે લવ ફીસ્ટ’ સાંજે 5થી 7 દરમિયાન યોજાય છે. જોકે, સાદો મહાપ્રસાદ પ્રત્યેક મુલાકાતી માટે હોય છે પરંતુ, સમગ્ર કાર્યક્રમમાં હાજરી આપનારા માટે જ સંપૂર્ણ ભોજન (ઉજાણીપ્રસાદમ્)ની વ્યવસ્થા કરવામાં આવે છે.
ભક્તિવેદાંત મેનોરનો સૌપ્રથમ અનુભવ લેનારી કોઈ પણ વય અને પશ્ચાદભૂ સાથેની વ્યક્તિ માટે શનિવાર 15 જુલાઈનો ‘બિગ ડે આઉટ’ દિવસ નોંધપાત્ર બની રહેશે. સવારના 11 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીના કાર્યક્રમ માટે એન્ટ્રી ટિકિટ આવશ્યક છે. જો તમે અનુભવ મેળવેલો હોય તો પણ તમે તમારા મિત્રો, સહકર્મચારીઓ અને પડોશીઓને આમંત્રિત કરી શકો છો.
ભક્તિવેદાંત મેનોરસ્થિત શ્રી કૃષ્ણ હવેલીમાં 16 જુલાઈ, રવિવારે ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રાની સ્નાનયાત્રા સમારંભ સાથે રવિવાર 30 જુલાઈની લંડન રથયાત્રાના મંડાણ થશે. ભગવાન જગન્નાથની રથયાત્રાનો આરંભ હાઈડ પાર્કર કોર્નરથી થશે તેમજ પાર્ક લેન, પિકાડિલી સર્કસ, હેમાર્કેટ પસાર થઈને ટ્રફાલ્ગર સ્ક્વેર પહોંચશે. મોડે સુધી ઉત્સવના વાતાવરણમાં, નાટક, નૃત્યો, ફીલોસોફી અને નિઃશુલ્ક શાકાહારી પ્રસાદનો સમાવેશ થશે.
આ ઉપરાંત, મંગળવાર 18 જુલાઈથી ગુરુવાર 17 ઓગસ્ટ 2023 સુધી પવિત્ર અને આધ્યાત્મિક પુરુષોત્તમ મહિનામાં દરરોજ સાંજે ખાસ જપ ધ્યાનયોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મેનોરમાં સૌથી મોટા વાર્ષિક ઉત્સવ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી ગુરુવાર 7, શનિવાર 9 અને રવિવાર 10 સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે જેના માટે ટિકિટ્સ મેળવવી આવશ્યક છે.