લંડનઃ બુશી નજીક આવેલા ભક્તિવેદાંત મેનોર હરે કૃષ્ણ મંદિર દ્વારા અવંતિ સ્કૂલ ટ્રસ્ટના સહયોગથી હેરોમાં ૫,૦૦૦ ફ્રી મીલ્સનું જરુરતમંદોને વિતરણ કરાયું હતું.૨૩ ડિસેમ્બરે વેજીટેબલ પાસ્તા, રાઈસ અને મીક્સ વેજીટેબલ તથા દાળ સહિતના પ્રી-પેકેજ્ડ ફ્રોઝન મીલ્સનું જરૂરતમંદોને વિતરણ કરાયું હતું. કૃષ્ણા અવંતિ પ્રાઈમરી સ્કૂલ, અવંતિ હાઉસ સેકન્ડરી સ્કૂલ અને અવંતિ હાઉસ પ્રાઈમરી સ્કૂલ એમ ત્રણ સેન્ટર પર આ મીલ્સ પહોંચાડવામાં આવ્યા હતા.
ભક્તિવેદાંત મેનોરના ટેમ્પલ પ્રેસિડેન્ટ વિશાખા દાસીએ જણાવ્યું કે ઈસ્કોનના સ્થાપક અને માર્ગદર્શક ભક્તિવેદાંત પ્રભુપાદે તેમના શિષ્યોને જણાવ્યું હતું કે તેમના મંદિરોના દસ કિ.મીના વિસ્તારમાં કોઈ પણ ભૂખ્યું જવું જોઈએ નહીં. તેમણે આપેલા આ મહત્ત્વના આદેશના પાલનના પ્રયાસમાં જરુરતમંદોને શાકાહારી ભોજન અપાયું હતું. હેરોના કોમ્યુનિટી પ્રોજેક્ટ મેનેજરે આ ભોજન જરુરતમંદો સુધી પહોંચે તે માટેની વ્યવસ્થામાં મદદ કરી હતી.