લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીયની તાજપોશીની ઉજવણીના કાર્યક્રમો નિમિત્તે લોર્ડ લેફ્ટનન્ટ ઓફ હર્ટફોર્ડશાયર દ્વારા ભક્તિવેદાંત મેનોરમાં મંગળવાર 2 મેના દિવસે ધર્મનેતાઓ માટે ‘પ્રી-કોરોનેશન ટી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હર્ટફોર્ડશાયરના 30થી વધુ ધાર્મિક સંસ્થા-સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા જેઓએ ડઝન જેટલા ધર્મોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ વર્ષે ભક્તિવેદાંત મેનોર તેની 50મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. બીટલ્સ ગ્રૂપના જ્યોર્જ હેરિસને 50 વર્ષ અગાઉ આ મંદિરનું આપણી કોમ્યુનિટીને દાન કર્યું હતું.
લોર્ડ લેફ્ટનન્ટ ઓફ હર્ટફોર્ડશાયર રોબર્ટ વોસે જણાવ્યું હતું કે,‘ કિંગની પ્રાથમિકતાઓમાં ફેઈથ-આસ્થા કેન્દ્રસ્થાન ધરાવે છે અને હર્ટફોર્ડશાયરની વૈવિધ્યતા પણ ઉજવવાને પાત્ર છે. આ ચા મિજબાની ધર્મનેતાઓને સાથે લાવશે જેનાથી આપણી કોમ્યુનિટીમાં પરિવર્તન લાવવા મજબૂત સંપર્ક સર્જાશે.’ ડેપ્યુટી લેફ્ટનન્ટ વિનય તન્નાએ ફેઈથ લીડર્સને આવકારતા પ્રવચનમાં કહ્યું હતું કે, ‘આના જેવાં આધ્યાત્મિક સ્થળે આવવું, તેના ગાર્ડન્સ અને સરોવરની આસપાસ ચાલવું અથવા ગાયોને ઘાસ ખવડાવવાની બાબતો વ્યક્તિની પોતાની ધર્મઆસ્થાને મજબૂત બનાવવા વિશે જ છે.’ હર્ટફોર્ડશાયર લેફ્ટનન્સી ઈન્ટરફેઈથથ પેનલના અધ્યક્ષ લેડી વેરુલામે કહ્યું હતું કે,‘ધાર્મિક નેતાઓનું આ પ્રકારે મિલન કિંગના વિઝનને પરિપૂર્ણ કરવામાં વિશિષ્ટ ભૂમિકા ભજવે તેવી આશા રખાય છે.
ભક્તિવેદાંત મેનોરના પ્રેસિડેન્ટ વિશાખા દેવીએ ઉમેર્યું હતું કે,‘ભક્તિવેદાંત મેનોર ખાતે આ ઈન્ટરફેઈથ ઈવેન્ટની યજમાની કરવાના વિશેષાધિકાર મળવા બદલ અમે આભારી છીએ. આપણા વચ્ચે વિધેયાત્મક કોમ્યુનિકેશન થશે ત્યારે આપણી ઘણી અને વૈવિધ્યપૂર્ણ આધ્યાત્મિક કોમ્યુનિટીઓ વચ્ચે સહકાર અને સહયોગ ઘણો મજબૂત બનશે.’
આ ઈવેન્ટની મધ્યે વિશાખા દેવી અને લોર્ડ લેફ્ટનન્ટ ઓફ હર્ટફોર્ડશાયર રોબર્ટ વોસ દ્વારા સેરિમોનિયલ તલવાર વડે રોયલ કેક કાપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રોબર્ટ વોસ CBE CstJને ઓગસ્ટ 2017માં તત્કાલીન વડા પ્રધાનની સલાહથી ક્વીન એલિઝાબેથ દ્વિતીય દ્વારા લોર્ડ લેફ્ટનન્ટ ઓફ હર્ટફોર્ડશાયર તરીકે નિયુક્ત કરાયા હતા. તેઓ 27 સંસ્થાના પેટ્રન અથવા પ્રેસિડેન્ટ છે.