લંડનઃ યુકે હાઉસ ઓફ કોમન્સમાં હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેન દ્વારા 26 નવેમ્બર 2024ના દિવસે થિન્ક ગીતા ઈવેન્ટની યજમાની કરવામાં આવી હતી. ભગવદ્ ગીતાના મહત્ત્વ, તે જીવનની વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું કૌશલ્ય આપે છે અને વર્તમાનકાળની જટિલતાઓમાં તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય સહિતની બાબતો પર એસબી કેશવ સ્વામીનો ઉપદેશ સાંભળવા 140થી વધુ પ્રોફેશનલ્સ એકત્ર થયા હતા.
કેશવ સ્વામી આધ્યાત્મિક લેખક, કોમ્યુનિટી મેન્ટર અને વેદિક શાશ્ત્રોનું જ્ઞાન લોકોને આપવા વિશ્વનો પ્રવાસ ખેડતા શિક્ષક-ગુરુ છે. તેમણે આધ્યાત્મિક શિક્ષણના મહત્ત્વ વિશે પ્રકાશ પાથરતા તે આપણને મૂલ્યો અને આપણા જીવનના ધ્યેયની વિશેષ સમજ આપવામાં મદદ કરે તે જણાવ્યું હતું. તેમણે પોતાના જીવન પર ભગવદ્ ગીતાની અસર વિશે જણાવવા સાથે ઓડિયન્સને પણ થિન્ક ગીતાના કોર્સીસ, સર્કલ્સ અને રીટ્રીટ્સ મારફત તેના ઉપદેશોમાં ઊંડા ઉતરવા આમંત્રણ આપ્યું હતું.
થિન્ક ગીતાના સહસ્થાપક રાજીવ નંધાએ જણાવ્યું હતું કે આપણે ભગવદ્ ગીતાના થોડા ઉપદેશ પણ જીવનમાં ઉતારી શકીએ તો જીવનમાર્ગ અને વિશ્વમાંઆપણી અસરમાં નાટ્યાત્મક પરિવર્તન લાવી શકીએ છીએ. સાંસદ બોબ બ્લેકમેને ઓડિયન્સને આ અમૂલ્ય જ્ઞાનશીખવાની તક ઝડપી લેવાની સલાહ આપી હતી. ઓડિયન્સના સભ્યોને તેમણે જે સાંભળ્યું તેનાથી તાજગી અને પ્રેરણાનો અનુભવ થયો હતો.
થિન્ક ગીતા ચેરિટેબલ સંસ્થા છે અને ભગવદ્ ગીતાના જ્ઞાનને વ્યવહારુ અને સમજાય તે રીતે લોકો સાથે વહેંચે છે જેથી તેમના જીવનને માર્ગદર્શન મળે, પરિવર્તન આવી શકે. અત્યારે સંસ્થા પાસે વિશ્વભરમાં 15,000 વિદ્યાર્થી, 45 સ્ટડી ગ્રૂપ્સ અને 100 શિક્ષકો છે. વધુ વિગતો thinkgita.org પરથી મેળવી શકાશે.