અમદાવાદ: ગાદીસ્થાન બોચાસણમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજનાં સાન્નિધ્યમાં કાર્તિકી પૂનમ અને દેવદિવાળીનો ઉત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો હતો. દેવદિવાળી નિમિત્તે મંદિરમાં ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓનો ક્લાત્મક અન્નકૂટ ધરાવાયો હતો.
બોચાસણમાં સ્વામીનારાયણ બાગ ખાતે ઉત્સવની મુખ્ય સભાની શરૂઆત ‘બીએપીએસ સંસ્થાના વિકાસના મૂળમાં સાધુતા’ વિચાર સાથે થઈ હતી. જેમાં વિદ્વાન સંતોએ વિષયને આનુષાંગિક વક્તવ્યો આપ્યા હતા. ધૂન-કીર્તન બાદ પૂજ્ય અનિર્દેશ સ્વામીએ આજના ઉત્સવનો મહિમા વર્ણવીને બીએપીએસ સંસ્થાના સર્વાંગી વિકાસની ગાથા રજૂ કરી હતી.
આ પ્રસંગે વિદ્વાન વક્તા સંતોએ તેઓના વક્તવ્યોમાં સાધુતાના આ ગુણો ગુણાતીત સતપુરુષમાં કઈ રીતે વિદ્યમાન છે, તેની વિશેષ છણાવટ કરીને પ્રગટ સત્પુરુષની સાધુતાનું દર્શન કરાવ્યું હતું. શ્રી નારાયણમુનિ સ્વામીએ ગુણાતીત સત્પુરુષમાં ‘નિયમ ધર્મ’ અંતર્ગત જણાવ્યું હતું કે ‘સ્વામીશ્રીનાં જીવનમાં ભગવાન અને ગુરુના પ્રત્યેક આજ્ઞાવચનોની આજીવન દૃઢતા છે. નિયમ ધર્મના ભોગે એમને કશું જ ખપતું નથી.’
સભાના અંતમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, ‘ભગવાન કર્તાહર્તા છે એમની મરજી વગર પાંદડું હલી શકે એમ નથી. એ વાત આપણે જીવનમાં દૃઢ કરવી જોઈએ. મહારાજ અને સ્વામીની નિષ્ઠા જીવનમાં દૃઢ કરવી જોઈએ.’ આજના પ્રસંગે અંદાજિત 25 હજાર ઉપરાંત હરિભક્તોએ ઉપસ્થિત રહી લાભ પ્રાપ્ત કર્યો હતો. તમામ હરિભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.