અમદાવાદઃ શહેરના જમાલપુર સ્થિત સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાની પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અમાસથી લઈને ત્રીજ સુધી ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવતો હોય છે. આ માટે છેલ્લા બે મહિનાથી ભગવાનના વાઘા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે ભગવાન સોનેરી વસ્ત્રો અને રાજાશાહી ઠાઠથી નગરચર્યા પર નીકળશે.
સોનેરી કલરના વસ્ત્રોમાં ટીકી વર્ક, રેશમ વર્ક, સાથે - સાથે ભગવાને પ્રિય એવા મોરલાની બોર્ડર કરવામાં આવી છે. આ વખતે ભગવાનના મુકુટ ઓરિજનલ જરદોશી વર્કના છે, જે રાજા-મહારાજાઓ પહેરતા હતા, તેવી રીતે સજાવવામાં આવ્યા છે. ભગવાનનું બખ્તર મોતી વર્કનું બનાવવામાં આવ્યું છે. મુકુટને ડાયમંડ હેન્ડવર્ક, રેશમ અને કસવ વર્કથી શણગારવામાં આવ્યો છે.
વર્ષોથી ભગવાનના વાઘા બનાવતા સુનિલભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા 18 વર્ષથી અમે ભગવાનના વાઘા બનાવીએ છીએ, જેમાં અમારો સમગ્ર પરિવાર મહેનત કરે છે. અખાત્રીજથી જ ભગવાનના વાઘા બનવવાની શરૂઆત કરીએ છીએ, જે જેઠ વદ અગિયારસ સુધી ચાલે છે.
વાઘા માટેનું કપડું વૃંદાવન અને સુરતનું
આ વખતે મુકુટમાં ખાસ વિશેષતા છે, તેનું વર્ક ખૂબ જ સુંદર કરવામાં આવ્યું છે. સાથે-સાથે બહેન સુભદ્રાજી માટે પર્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે. ભગવાન રથ પર બિરાજમાન થાય ત્યારે અને સિંહાસન પર બિરાજે ત્યારે એમ અલગ-અલગ વાઘા તૈયાર કરાયા છે. વાઘા માટેનું કપડું મથુરાના વૃંદાવન, સુરત જેવા શહેરોમાંથી લાવવામાં આવે છે, જેના પર ડાયમંડ, મોતી, રેશમ, કસબ, ગોટાપટ્ટી, ખાટલી વર્ક જેવા વિવિધ વર્ક કરવામાં આવે છે. અખાત્રીજથી ભગવાન જગન્નાથ માટે 7 જોડી વાઘા 50 દિવસમાં તૈયાર કરાયા છે.