જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાનશ્રી મહાવીર સ્વામીની ૨૬૨૦મી જન્મ જયંતી તા. ૨૫ એપ્રિલ ૨૦૨૧ના રોજ દેશ-વિદેશમાં જ્યાં જ્યાં જૈનો વસે છે ત્યાં ત્યાં આજની કોરોના મહામારીને લક્ષ્યમાં રાખી ઠેર ઠેર વર્ચ્યુઅલ યોજાઇ. વસ્તીમાં લઘુમતી હોવા છતાં સમાજ ઘડતરમાં જૈનોનું પ્રદાન નોંધનીય છે. આ પાવન પર્વમાં સેવાભાવ જીવનની પ્રાથમિકતા છે. સમગ્ર સમાજ, દેશ અને દુનિયા માટે પ્રેરણાદાયક સેવાભાવનો અમલ માનવતા માટે અતિ આવશ્યક છે. “જીવો અને જીવવા દો" એ જૈન ધર્મનો સિધ્ધાંત સમજવા અને અમલમાં અપનાવવા જેવો છે. આજે સમાજ, દેશ અને વિશ્વ માટે કોરોના મહામારી એક પડકારરૂપ બની છે ત્યારે જૈન જીવનશૈલી જન-જન સુધી પહોંચે તો માનવતા વધુ મહેંકી ઉઠે. ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજી પ્રેરિત "વન જૈન" (બ્રિટનની તમામ જૈન સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી) સંસ્થા દ્વારા રવિવાર ૨૫ એપ્રિલના રોજ મહાવીર જન્મ કલ્યાણકની ઓન લાઇન ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમના આરંભે ડ્યક ઓફ એડીનબરા પ્રિન્સ ફિલિપના અવસાન અંગે મૌન પાળવામાં આવ્યું. તેઓ જૈન ધર્મના સપોર્ટર હતા અને એમના અવસાનથી જૈન ધર્મને મોટી ખોટ પડી છે. જૈન ડીકલરેશન ઓફ નેચરનું ઉદ્ઘાટન ડ્યક ઓફ એડિનબરો પ્રિન્સ ફિલિપના હસ્તે કરવામાં આવ્યું હતું.
જૈન ઓલ પાર્લામેન્ટરી ગ્રૂપના મેમ્બર એમ.પી પદ્મશ્રી બોબ બ્લેકમેન અને માનનીય ગેરાથ થોમસે છેલ્લા બાર મહિનાના સંદર્ભમાં ભગવાન મહાવીરની અહિંસા, અપરિગ્રહ, અનેકાન્તવાદના સિધ્ધાંતોની ઉપયોગિતા વિષે વાત કરી. હેરો સ્થિત જૈન વિશ્વભારતી સેન્ટરના સમણીજી ડો. પ્રતિભા પ્રજ્ઞાજીએ ભગવાન મહાવીરના જીવનમાંથી મળતા સંદેશ વિષે કીનોટ પ્રવચન આપ્યું. વીસમી સદીના યુગપુરુષ શ્રીમદ રાજચંદ્રજીએ લખેલ મહાન ગ્રંથ "આત્મસિધ્ધિ શાસ્ત્ર" ની ૧૨૫મી જન્મ જયંતિ નિમિત્તે ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજીના ટ્રસ્ટી શ્રી જયસુખભાઇએ પ્રભાવક પ્રવચન આપ્યું. કેમ્બ્રિજ યુનિવર્સિટીના જૈન સોસાયટીના પ્રમુખ કેવલી શાહે એની સ્થાપના વિષે તેમજ આ પેન્ડેમિકના સમયમાં બ્રિટનમાં અભ્યાસ કરતા વિધ્યાર્થીઓને સહાય કરી એની રજુઆત કરી. વચમાં સ્તવનોના ગાન રજુ થયા. તીર્થધામોની ભાવયાત્રા કરાઇ. જૈન સમાજની ચાર વિશિષ્ઠ વ્યક્તિઓને એમની કોમ્યુનિટી સેવાઓની કદર રૂપે "વન જૈન એવોર્ડ" અર્પણ કરવામાં આવ્યો.
જેમાં ડો.મુકુલભાઇ શાહ, પ્રફુલ્લાબેન શાહ, ડો.ખ્યાતિ બખાઇ અને જતિનભાઇ શાહનો સમાવેશ થાય છે. જૈન સમાજના અગ્રણીઓએ ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે સંદેશા પાઠવ્યા. શ્રી રાજ સોભાગ સત્સંગ મંડળના શ્રીમતી મીનળબેન શાહ અને શ્રીવિક્રમભાઇ શાહે શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન વિષે તથા આત્મસિધ્ધિ વિષે વાત કરી. જૈન વિદ્વાન શ્રી કુમારપાળ દેસાઇના મનનીય પ્રવચનથી સમાપન થયું.
આ સિવાય નવનાત વણિક એસોસિએશન, મહાવીર ફાઉન્ડેશન, જૈન નેટવર્ક, શ્રી નવયુગ જૈન, જૈન સમાજ યુરોપ, લેસ્ટર વગેરેએ પણ પોતપોતાની રીતે મહાવીર જયંતિની ઉજવણી કરી. આગામી અંકમાં એની વિગતે રજુઆત કરવામાં આવશે. જે જે જૈન સંસ્થાઓએ અને સેવાભાવી વ્યક્તિઓએ કોવીડ -૧૯માં દેશ-વિદેશમાં સેવાઓ સાદર કરી માનવતા મહેંકાવી છે એમની સચિત્ર માહિતી માટે જુઓ આગામી અંક.