વિશ્વવિખ્યાત બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી પ.પૂ. પ્રમુખ સ્વામીના અનુગામી તરીકે બિરાજ્યા છે. જેમનું દીક્ષિત નામ સાધુ કેશવજીવનદાસ છે. તેઓ ભગવાન શ્રી સ્વામીનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના છઠ્ઠા ગુરુદેવ છે.
મૂળ ચરોતર પ્રદેશના આણંદના વતની અને વ્યવસાય માટે મધ્યપ્રદેશના જબલપુરમાં સ્થાયી થયેલા શ્રી મણિભાઈ નારણભાઈ પટેલ અને ડાહીબાના ખોળે તેમનો જન્મ તા.૧૩.૦૯.૧૯૩૩ ના રોજ જબલપુરમાં થયો હતો. યોગાનુયોગ તેમના જન્મના થોડા દિવસ પછી બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ જબલપુર પધાર્યા હતા. તેમણે આ નવજાત શિશુ પર આશીર્વાદ વરસાવતા તેને ‘કેશવ’ નામ આપ્યું હતું. જોકે, પરિવારજનો બાળકને ‘વિનુ’ના હુલામણા નામે બોલાવતા હોવાથી એ નામ જ સૌની જીભે કાયમ રહ્યું.
જબલપુરમાં ઉછેર અને પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પછી કેમ્બ્રીજની ડિગ્રી મેળવનારા વિનુભાઈ સ્થાનિક ઈંગ્લિશ માધ્યમની સ્કૂલમાં તેજસ્વી વિદ્યાર્થી તરીકે સૌના પ્રિય બન્યા હતા.
વર્ષ ૧૯૫૧-૫૨માં તેમને વતન આણંદમાં જ શાસ્ત્રીજી મહારાજના અનુગામી યોગીજી મહારાજનો યોગ થયો. યોગીજી મહારાજની દિવ્ય આધ્યાત્મિક પ્રતિભા અને વાત્સલ્ય વર્ષાએ એમના હૃદયને દિવ્યતાથી ઝંકૃત કરી દીધું અને તેઓ સદાને માટે તેમના શિષ્ય બની ગયા અને તેઓ સાધુદીક્ષા લેવા માટે પ્રેરાયા.
વર્ષ ૧૯૫૬માં આણંદ ખાતે એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાંથી સાયન્સ ગ્રેજ્યુએશન પૂર્ણ કરી તેઓ યોગીજી મહારાજના ચરણે સમર્પિત થઈ ગયા. ૧૯૫૭માં વસંતપંચમીએયોગીજી મહારાજે તેમને પાર્ષદી દીક્ષા આપી, વિનુ ભગત નામ ધારણ કરાવ્યું અને પોતાની સાથે વિચરણ તથા પત્રલેખનની સેવામાં જોડ્યા.
વર્ષ ૧૯૬૧માં તીર્થધામ ગઢડા ખાતે યોગીજી મહારાજે એકસાથે ૫૧ સુશિક્ષિત નવયુવાનોને ભાગવતી દીક્ષા આપી ત્યારે વિનુ ભગતને કેશવજીવનદાસ સ્વામી નામ ધારણ કરાવ્યું. તે સમયે શાસ્ત્રીજી મહારાજે તેમને બાળવયે આપેલા ‘કેશવ’ નામનું અનુસંધાન સ્વતઃ જોડાઈ ગયું. આ નવદીક્ષિત ૫૧ યુવાનોને યોગીજી મહારાજે સંસ્કૃતના અધ્યયન માટે મુંબઈ ખાતે મૂક્યા ત્યારે એ સૌના મહંત તરીકે કેશવજીવનદાસ સ્વામીને મૂક્યા. ત્યારથી તેઓ ‘મહંત સ્વામી’ના નામે સૌમાં વિશેષ આદરણીય બન્યા.
તપ, વ્રત, સંયમ, ભક્તિ, સાધુતા, વિનમ્રતા, સરળતા અને બુદ્ધિમત્તા વગેરે અનેક સદગુણો અને સેવામય જીવનથી તેઓ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજની સતત પ્રસન્નતા પામતા રહ્યા.
વર્ષ ૧૯૭૧માં યોગીજી મહારાજે અક્ષરધામ ગમન કર્યું. ત્યારપછી તેમના આધ્યાત્મિક અનુગામી પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજમાં એવા જ ગુરુભાવ સાથે સમર્પિત થઈને રહ્યા. વર્ષ ૧૯૫૧થી જ તેઓ પ્રમુખ સ્વામીની પવિત્ર સાધુતા, અહંશૂન્ય અને સરળ ભગવન્મયતાથી પ્રભાવિત હતા. પરંતુ, વર્ષ ૧૯૭૧થી તેઓ યોગીજી મહારાજના અનન્ય સ્વરૂપ તરીકે પ્રમુખ સ્વામીને નિહાળતા રહ્યા અને તેમની આજ્ઞા અનુસાર દેશ- વિદેશમાં સત્સંગ પ્રેરણા માટે વિચરતા રહ્યા.
તેમણે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા અનુસાર બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાની અનેક સેવા - પ્રવૃત્તિઓમાં નેતૃત્વ પૂરું પાડીને અનન્ય સેવા આપી છે. સંસ્થાના વિરાટ આંતરરાષ્ટ્રીય મહોત્સવ, અક્ષરધામ જેવા મહાન સર્જનો, બાળ-યુવા પ્રવૃત્તિઓ વગેરેમાં તેમનું અનન્ય યોગદાન રહ્યું છે.
તેમના ગહન ચિંતનશીલ વ્યાખ્યાનોએ લાખો લોકોને આધ્યાત્મિક પ્રેરણા આપી છે. તેમની પ્રતિભા અને સાધુતાએ અનેક લોકોના જીવન પર ઉંડો પ્રભાવ પાથર્યો છે.
તા.૨૦.૭.૨૦૧૨ના રોજ પૂ. પ્રમુખ સ્વામીએ અમદાવાદમાં સંસ્થાના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં પૂ. મહંત સ્વામીને પોતાના ભાવિ ઉત્તરાધિકારી તરીકે સ્થાપીને ગુણાતીત ગુરુપરંપરાના છઠ્ઠા ગુરુદેવ તરીકે આદરણીય સ્થાન આપ્યું છે.