ભારતીય વિદ્યા ભવન, યુકેના વાઈસ ચેરમેન અને ભૂતપૂર્વ ટ્રેઝરર કિશોર દેવાણીનું ૨૩.૯.૨૧ને ગુરુવારે ૮૫ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે.
તેઓ '૭૦ના દસકાથી ધ ભવનની એક્ઝિક્યુટિવ કમિટીના સક્રિય સભ્ય હતા અને તેમના પરિવારે પણ સંસ્થાને ડોનેશન દ્વારા મદદ કરી હતી.
તેમના સસરા સ્વ. નાનજીભાઈએ ડોનેશન આપ્યું ત્યારે સંસ્થાના ઈન્ટરનેશનલ ચેરમેન સ્વ. જયસુખલાલ હાથીએ નાનજીભાઈના જમાઈ જ્યાં સુધી ભવનના ટ્રેઝરર ન બને અને સંસ્થાની નાણાંકીય બાબતો સંભાળે નહીં ત્યાં સુધી ડોનેશન સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. આમ તેઓ સંસ્થાના ટ્રેઝરર બન્યા હતા અને ત્રણ દસકા કરતાં વધુ સમય સુધી પૂરી નિષ્ઠા અને સમર્પણ સાથે સેવા આપી તેટલું જ નહીં સંસ્થાના હાલના અને અગાઉના ટ્રેઝરર્સ કૌશિક નથવાણી અને ઈન્દિરા સેઠિયાને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બન્ને હાલ સંસ્થાને સારી સેવા આપી રહ્યા છે.
આ સમય દરમિયાન તેઓ રિપોર્ટિંગની નવી પદ્ધતિઓ લાવ્યા જે ભવનની નાણાંકીય બાબતોનું સંચાલન કરવામાં ટ્રેઝરરી ટીમને ખૂબ મદદરૂપ થઈ છે. તેમણે સ્વ. માણેક દલજી અને પાછળથી જોગીન્દર સેંગરના માર્ગદર્શન હેઠળ કામ કર્યું હતું, જેને લીધે ભવનનો વિકાસ થયો હતો.
ઘણાં વર્ષો સુધી તેઓ અઠવાડિયામાં એક વખત ભવનની મુલાકાત લઈને સંસ્થાની તમામ પ્રવૃત્તિઓમાં રસ લેતા હતા. તેઓ સંસ્થાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મથુરજીને તેમના ગુરુ માનતા હતા.
ગયા શનિવારે તેઓ આવ્યા ત્યારે કોઈને ભાગ્યેજ ખબર હશે કે ભવનની આ તેમની છેલ્લી મુલાકાત હશે. તેઓ ભવનને હંમેશા તેમનું મંદિર માનતા હતા.