લંડનઃ ધ ભવનના વાર્ષિક સમર સ્કૂલ પ્રોગ્રામમાં ડાન્સ, મ્યુઝિક, વાદ્યો અને ભાષા સહિત ભારતીય ક્લાસિકલ કળાઓનો ત્રણ સપ્તાહનો સઘન કાર્યક્રમ હતો જેમાં ભારત અને યુકેના પ્રખ્યાત શિક્ષકો જોડાયા હતા. આ કાર્યક્રમાં તમામ મુલાકાતી શિક્ષકોના કોન્સર્ટનું આયોજન પણ કરાયું હતું. 22 અને 23 જુલાઈના વીકએન્ડમાં અનુક્રમે ડો. નાગરાજ હવાલદાર દ્વારા હિન્દુસ્તાની કંઠ્યગાન અને ડો. બેબી શ્રીરામ દ્વારા કર્ણાટકી કંઠ્યગાનનો લાભ મળ્યો હતો.
શનિવાર22 જુલાઈએ ભવનના રેસિડેન્ટ શિક્ષિકા શ્રીમતી ચંદ્રિમા મિશ્રાની શિષ્યા વિદ્યા જોશીએ તબલાં પર સૌમ્યરાજ, હાર્મોનિયમ પર ભાવિન અને તાનપૂરા પર વૈશાલીની સંગતમાં હિન્દુસ્તાની કંઠ્યગાનનો આરંભ કર્યો હતો. આ પછી, ડો. નાગરાજ રાવ હવાલદારની મુખ્ય પ્રસ્તુતિ કરાઈ હતી. તેમણે મધ્યાલયા ઝપતાલમાં રાગ યમનમાં ‘આજ બજાયે બાંસુરી’ ગાયું હતું અને તે પછી રાગ નટમલ્હારનું ગાયન આવ્યું હતું. તેમણે પંડિત ભીમસેન જોશી દ્વારા લોકપ્રિય બનાવાયેલા અભંગ ‘તીર્થા વિઠ્ઠલા’ની રજૂઆત કરી હતી. રાગ ભૈરવી અને ઝપતાલમાં પુરંદર દાસની રચના સાથે કોન્સર્ટનું સમાપન થયું હતું. ડો. હવાલદારને તબલાં પર પંડિત સુબ્રતા ગુપ્તા, હાર્મોનિયમ પર પંડિત વિશ્વ પ્રકાશ અને તાનપૂરા પર ચિરાગ અગ્રવાલે સંગત આપી હતી.
રવિવાર23 જુલાઈએ ભવનના રેસિડેન્ટ શિક્ષક શ્રી સંપથ કુમારાચારી દારૂરીના શિષ્યા શ્રીવિદ્યા શ્રીનિવાસને મૃદંગમ પર શ્રી બાલાચંદર, વાયોલિન પર અક્ષય કૌશિક, ઘટમ પર શ્રીનિવાસન અને મોરસિંગ પર કપિલાનંદ કુરુમૂર્થીની સંગતમાં કર્ણાટકી કંઠ્યગાનથી સાંજનો આરંભ કર્યો હતો.
ડો. બેબી શ્રીરામ દ્વારા દુર્લભ કિર્થીસની રજૂઆત સાથે મુખ્ય ગાનની પ્રસ્તુતિ કરાઈ હતી. તેમણે માયામૌલવા ગોલામાં ગણપતિ શ્લોકમ અને કલ્પના સ્વરાસ પર દેવા દેવા કાલ્મયામિની રજૂઆત પછી પરંપરાગત રીતિગૌલા રાગમમાં રાગ આલાપના અને નીલા કાંથા સિવાનની રચના પ્રસ્તુત કરી હતી. તેમના ગુરુ શ્રી ટી. એમ ત્યાગરાજને ટ્યુનિંગ કર્યું હતું. તેમણે કોન્સર્ટનું મુખ્ય ગાન રાગ ભૈરવીમાં પલ્લવી સેશાયારના કમ્પોઝિશનમાં રજૂ કર્યું હતું. શ્રી એચ.એસ. સુધીન્દ્રાએ મૃદંગમ પર તાની આવર્તનમ રજૂ કર્યું હતું. સાંજનું સમાપન ડો. બેબી શ્રીરામ દ્વારા જ કમ્પોઝ કરાયેલા બિન્દુમાલિનીમાં થિલાના સાથે કરવામાં આવ્યું હતું. તેમને તાનપૂરા પર વર્ષા રામને સાથ આપ્યો હતો.
આગામી શનિવાર 29 અને રવિવાર 30 જુલાઈના વીકએન્ડમાં અનુક્રમે શ્રી અભય શંકર મિશ્રા દ્વારા કથક તેમજ શ્રીમતી શ્રીકલા ભરત દ્વારા ભરતનાટ્યમ ગાયનોની રજૂઆત કરવામાં આવશે.