ભારતે હાંસલ કરેલી આઝાદીની 78મી વર્ષગાંઠ નિમિત્તે ધ ભવન લંડન દ્વારા બુધવાર 7 ઓગસ્ટના રોજ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મહેમાન વક્તાઓએ પ્રેરણાદાયી પ્રવચનો કર્યા હતા અને સાંસ્કૃતિક પરફોર્મન્સીસની રજૂઆતો થઈ હતી.
ભવનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. એમ.એન. નંદકુમારા MBE અને સંસ્કૃતના વિદ્વાન શ્રી રમેશ અવધાની દ્વારા પ્રાર્થના સાથે સાંજનો આરંભ થયો હતો. ભવન યુકેના ચેરમેન શ્રી સુભાનુ સક્સેનાએ સ્વાગત પ્રવચનમાં વર્તમાનકાળમાં પણ ગીતાની પ્રસ્તુતતા અને સાર્વત્રિક આકર્ષમ વિશે વાત કરી હતી. તેમણે ચીફ ગેસ્ટ ભારતીય હાઈ કમિશનરનું સ્વાગત કર્યું હતું અને ગત 50 વર્ષમાં હાઈ કમિશને ધ ભવનને કેટલો સાથ-સહકાર આપ્યો છે તેના વિશે ભારપૂર્વક જણાવ્યું હતું.
હેમરસ્મિથ એન્ડ ફૂલહામના ડેપ્યુટી મેયર કાઉન્સિલર ડેરિલ બ્રાઉને ઓડિયન્સ સમક્ષ સંબોધન કરતાં ભવનના અવિરત પ્રયાસો પર પ્રકાશ પાથર્યો હતો અને સ્થાનિક કોમ્યુનિટી તેમ જ વ્યાપકપણે ડાયસ્પોરામાં તેના ગૌરવભર્યા સ્થાન વિશે જણાવ્યું હતું.
યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર શ્રી વિક્રમ દોરાઈસ્વામીએ ઈવેન્ટનું ચાવીરુપ સંબોધન કર્યું હતું અને ભારત તેમજ વર્ષો દરમિયાન ભારતની યાત્રા વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,‘ભવન દ્વારા યુકેમાં કોમ્યુનિટીઓની સેવાના કારણે ભારતનું પ્રતિનિધિત્વ કરવાની હાઈ કમિશનની કામગીરી સરળ બની છે.’ ભવન ભારત જેના માટે ખડું છે તેનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે આ એવી પ્રેરણાદાયી સંસ્થા છે જે ડાયસ્પોરા માટે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી રહી છે.
ભવન યુકેના વાઈસ-ચેર શ્રીમતી સુરેખા મહેતાએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ભવનના વિદ્યાર્થીઓ દ્વારા ઓડિયન્સ સમક્ષ દેશભક્તિના ગીતો અને નૃત્યોની રજૂઆત થઈ હતી. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું.