સંસ્કૃતિ ફાઉન્ડેશન યુ.કે.એ પૂ. રમેશભાઇ ઓઝા (ભાઇશ્રી)ની યુ.કે. ધર્મયાત્રાનું આયોજન કર્યું હતું. તા. ૩ અને ૪ સપ્ટેમ્બરના રોજ લેસ્ટર અને ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૩ના લંડનના હેરોમાં આવેલ કડવા પાટીદાર સમાજના હોલમાં ભાઇશ્રીના પ્રવચનનો કાર્યક્રમ ભોજન સહ યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં દાતા પરિવારો તેમજ ધર્મપ્રેમીઓ હાજર રહ્યાં હતા. ગુજરાત સમાચારના પ્રતિનિધિ તરીકે અમદાવાદના જાણીતા સંગીતકાર માયા દીપકે સપરિવાર હાજરી આપી હતી.
આ કાર્યક્રમનું સંચાલન પ્રીતિબહેન રાયચૂરાએ એમની આગવી અદાથી કર્યું હતું. સંસ્કૃતિ ફાઉન્ડેશન યુ.કે.ના ચેર અને આ ધર્મયાત્રાના યજમાન શ્રી ભૂપેન્દ્રભાઇ કણસાગ્રાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘‘પૂ. ભાઇશ્રી ગુજરાતના પોરબંદર, રાજકોટ, સાપુતારામાં અને દેવકામાં સાંદીપની સ્કુલોની સ્થાપના કરી ‘મિશન એજ્યુકેશન’નો ભેખ ધર્યો છે. ખાસ કરીને આદિવાસી, પછાત અને શિક્ષણ સુવિધાથી વંચિતોને શિક્ષણ ઉપલબ્ધ કરાવવા તેમજ કન્યા કેળવણી પર ભાર મૂકી આ શાળાઓ વિદ્યા-વિવેક અને વિકાસના પાયા પર રચી છે. તેઓશ્રી સમાજનું ભાવિ ઉજ્જવળ બનાવવાના દીર્ઘ દ્રષ્ટા તથા આધ્યાત્મિક વડા છે.”
સાંદીપની આશ્રમના ટ્રસ્ટી શ્રી તુષારભાઇ જાનીએ સાંદિપની શાળાઓનો શૈક્ષણિક પરિચય આપતા જણાવ્યું હતું કે, દેવકા વિધાપીઠનું ઉદ્ઘાટન માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે થયું હતું અને એને ગુજરાત સરકારનો ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’ એવોર્ડ મળ્યાની અનેક ગૌરવભરી વાતો કરી સભાજનોના હ્દય જીતી લીધું હતાં.
આ ચાર શાળાઓમાં કુલ ૩૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. ગુજરાતી અને અંગ્રેજી બન્ને માધ્યમની શાળાઓના બાળકોનું રીઝલ્ટ ખૂબ જ સારું આવે છે. યુવા પેઢીમાં શિક્ષણ, સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સિંચન કરી બાળકોની આવતીકાલ ઉજ્જવળ બનાવવાની દિશામાં આગેકૂચ જોઇ રાજીપો થાય છે.
આ પ્રસંગે નોર્થવીક પાર્ક હોસ્પીટલની ટીમના ડો. દત્તા, સંગીતા પટેલ, ડો.હાઇસ અને મિસ સંધુને ૨૫,૦૦૦ પાઉન્ડનો ચેક દાનમાં અર્પણ કરી કર્મભૂમિનું ઋણ અદા કર્યું હતું.
પૂ. રમેશભાઇ ઓઝાએ સભાને સંબોધન કરતા જણાવ્યું કે, કોરોના જેવા પેનેડેમીકના સમયમાં માનવ ગમે તેવા સંજોગોમાં ટકી રહેવા ઝઝૂમ્યો હતો. એ કપરા સંજોગોમાં માનવતા મ્હોરી ઉઠી. NHS ના સભ્યોએ પેનેડેમીકમાં આપેલ અદ્ભુત સેવાઓની કદર રૂપે આ ચેક અર્પણ કરતા ગૌરવ ઉપજે છે.
ત્યારબાદ શ્રીમદ્ ભાગવતના દશમા સ્કંધનો ઉલ્લેખ કરતા કનૈયાની બાળ સહજ પ્રશ્નો પૂછવાની વૃત્તિ પર પ્રકાશ ફેંકતાં જણાવ્યું કે, આપણા શાસ્ત્રોનો પ્રારંભ પ્રશ્નોથી જ થયો છે. આપણા બાળકો ધર્મ વિષે પ્રશ્નો પૂછે તો સમાધાનકારી જવાબ આપવાની આપણી ફરજ છે અને એ માટેનું જ્ઞાન વડીલોને પણ હોવું જોઇએ. શ્રધ્ધાના બળ સાથે પુરૂષાર્થની મહત્તા સમજાવી.
યુધ્ધના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનના સંવાદોના સારમાં જણાવ્યું કે, ધર્મની રક્ષા કાજે , રાષ્ટ્રની રક્ષા કાજે અકર્મણ્યતા પોષાય નહી! વિધાતાના લેખ મિથ્યા થાય નહી એમ માની હાથ જોડી બેસી ન રહેવાય. ‘પરમાત્મા તમારી સાથે છે, તમારા માટે નહિ’. ગીતાના ત્રીજા અધ્યાય કર્મ યોગની મહત્તા સમજાવતાં અનેક ઉદાહરણો રજૂ કર્યા.
જીવન પરમાર્થથી સુગંધિત બને છે. આપણું જીવન કર્મ આધારિત છે. કૃષ્ણ કહે છે, કર્મ એ આપણી ખેતી છે. જેવું વાવો તેવું લણો. તમારા સુખ-દુ:ખનો દાતા બીજો કોઇ નથી. કર્મના ધાગામાં સુખ-દુ:ખ પરોવાયેલા છે. કરેલું ફોગટ જતું નથી. કેટલા વર્ષ જીવ્યા એ મહત્વનું નથી પરંતુ શું પ્રાપ્ત કર્યું અને વિશ્વને શું વહેંચ્યું એ અગત્યનું છે. જે પુણ્ય કરશો તે જ સાથે આવશે.