લંડનઃ ભાદરણ બંધુ સમાજ યુકે (BBS UK) દ્વારા ચાર દાયકામાં વિસ્તરેલી નિઃસ્વાર્થ સેવા અને કોમ્યુનિટી વિકાસ ભાવના કામગીરીની નોંધપાત્ર યાત્રાની ઉજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટ 31 માર્ચ 2024ના રોજ બકિંગહામશાયરમાં ગેરાર્ડ્સ કોમ્યુનિટી એસોસિયેશન ખાતે યોજવામાં આવ્યો હતો.
‘યુનિટી ઈન ગીવિંગ, ઓનરિંગ અવર ચેમ્પિયન્સ’ના યોગ્ય વિષય સાથેનો ઈવેન્ટ સામૂહિક સિદ્ધિઓની હૃદયસ્પર્શી યાદગીરી સમાન બની રહ્યો હતો. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના એડિટર ઈન ચીફ અને પ્રકાશક સી.બી. પટેલ સહિત કોમ્યુનિટીના પ્રસિદ્ધ અગ્રણીઓએ BBS UKના અવિરત વિકાસ અને અસર સંદર્ભે દૂરદૃષ્ટિ અને ઊંડી સમજમાં સહુને સહભાગી બનાવ્યા હતા. તેનાથી તમામ ઉપસ્થિતોને નિષ્ઠા અને સહૃદયતા સાથે કોમ્યુનિટીની સેવા કરવાની પ્રતિબદ્ધતા દોહરાવવાની પ્રેરણા મળી હતી.
પ્રેસિડેન્ટ બિમલભાઈ પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે,‘ BBS UK આશા અને સેવાની દીવાદાંડી સ્વરૂપે અડીખમ ઉભો છે. સંખ્યાબંધ ઈવેન્ટ્સ અને પ્રવૃત્તિઓ મારફત તે સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરે છે એટલું જ નહિ, ભવિષ્યના મજબૂત પાયાની ચોકસાઈ માટે યુવાનોને સંપર્ક સાધવા, શીખવા અને વિકસવા સશક્ત બનાવે છે.’
જનરલ સેક્રેટરી નિરુપાબહેન પટેલ અને વાઈસ પ્રેસિડેન્ટ નીતિનભાઈ પટેલે આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો.