લંડનઃ હડસન વિઅર એન્ડ ધ એકાઉન્ટન્ટ્સ ક્લબ દ્વારા ભારત અને બાંગલાદેશમાં પૂરરાહત અને પર્યાવરણીય પુનઃ સ્થાપન પ્રોજેક્ટ્સ માટે 13,400 પાઉન્ડનું નોંધપાત્ર ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. આ માટે હેરોસ્થિત ધ બ્લુરૂમ ખાતે શુક્રવાર 27 સપ્ટેમ્બર 2024ના દિવસે ચેરિટી ઈવેન્ટનું આયોજન કરાયું હતું જેને ભારે સફળતા મળી હતી.
ધ એકાઉન્ટન્ટ્સ ક્લબના પ્રેસિડેન્ટ અને હડસન વિઅરના સહસ્થાપક હસીબ હોલાડેરની આગેવાની હેઠળના ઈવેન્ટમાં પ્રોફેશનલ્સ અને કોમ્યુનિટીના સભ્યોના વિવિધ ગ્રૂપ્સ આ ઉમદા હેતુની પ્રતિબદ્ધતા સાથે એકત્ર થયા હતા. રોટરી ક્લબ ઓફ ગ્રેટન બ્રિટનના સક્રિય સભ્ય હોલાડેર એકત્ર કરાયેલાં ભંડોળનો વહીવટ અને વહેંચણી કરશે. હસીબ હોલાડેરે ઈવેન્ટને સપોર્ટ કરનારા સહુનો આભાર માનવા સાથે જણાવ્યું હતું કે એકત્ર કરાયેલું ફંડ જરૂરિયાતમંદોને સીધી મદદ કરવાના ઉપયોગમાં લેવાશે. રોટરી ક્લબ અને ગ્લોબલ રીલિફ ટ્રસ્ટ ઘરોનાં નવનિર્માણ, જીવનનિર્વાહના પુનઃસ્થાપન તેમજ ભાવિ પેઢીઓ માટે પર્યાવરણની સુરક્ષાની આ કામગીરીમાં ભાગીદાર બન્યાં છે.
હસીબ હોલાડેરે ઈવેન્ટની સફળતા પર ટીપ્પણી સાથે જણાવ્યું હતું કે ‘આ ઈવેન્ટ આપણી લોકાલિટીના તેમજ ધ એકાઉન્ટન્ટ્સ ક્લબના સભ્યોની ઉદારતા અને કોમ્યુનિટીની શક્તિની સાબિતી બનેલ છે. આપણને મળેલો સપોર્ટ બાંગલાદેશના પૂરપીડિતો તેમજ પર્યાવરણની સુરક્ષાના પ્રોજેક્ટ્સ માટે નોંધપાત્ર અસર ઉપજાવશે.’
ઈવેન્ટમાં થ્રી-કોર્સ ભોજન, જીવંત મનોરંજન તેમજ પૂર દ્વારા અસરગ્રસ્ત સમુદાયો સમક્ષના પડકારો અને ચાલી રહેલા પર્યાવરણીય પ્રયાસોના મહત્ત્વ વિશે પ્રેરણાદાયી પ્રવચનો હતા. મહેમાનોને રજાઓનો વૈભવી સમય માણવાથી માંડી ટિયર-વન ફૂટબોલ ટિકિટ્સના ઈનામ સાથેના રોમાંચક રેફલ્સ અને હરાજીમાં ભાગ લેવાની તક પણ મળી હતી.