લંડનઃ ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) ખાતે શનિવાર 28 જાન્યુઆરીએ ભારતના પ્રજાસત્તાક દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ભારતના 74મા ગણતંત્ર દિનને ઉજવવા સોસાયટીએ વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પ્રેસ્ટનના મેયર કાઉન્સિલર નીલ ડર્બી, લેન્કેશાયરના હાઈ શેરિફ મિ. માર્ટિન એઈન્સ્કો, પ્રેસટન સિટી કાઉન્સિલના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ મિસિસ સારાહ થ્રેલ્ફાલ, ડેપ્યુટી પોલીસ કમિશનર એન્ડી પ્રેટ, કાઉન્સિલરો યાકુબ પટેલ, નિષ્મા હિન્ડોચા તેમજ બીબીસી રેડિયો લેન્કેશાયરના તલન અવાન સહિત આમંત્રિત મહેમાનોએ કાર્યક્રમને શોભાવ્યો હતો.
બાળકો દ્વારા પ્રાર્થનાગાન સાથે કાર્યક્રમનો આરંભ થયો હતો. આ પછી સંસ્થાના પ્રેસિડેન્ટ ઈશ્વરભાઈ ટેઈલરે પ્રેસ્ટનના મેયર અને લેન્કેશાયરના હાઈ શેરિફનું સ્વાગત કર્યું હતું. બે કલાકના સાંસ્કૃતિક કાર્યક્રમમાં 60થી વધુ લોકોએ ભાગ લીધો હતો અને 300થી વધુ ઉપસ્થિતોએ તેને માણ્યો હતો. પ્રેસિડેન્ટ ઈશ્વરભાઈએ પોતાના સંબોધનમાં સોસાયટીએ કેવી રીતે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનું જતન કર્યું છે તે ભારપૂર્વક જણાવવા સાથે સોસાયટીના બાળકોએ પ્રેસ્ટન સિટી મેળા જેવા સ્થાનિક ઉત્સવોમાં પરફોર્મ કર્યું છે તેમજ પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે નૃત્યોમાં ભાગ લીધો છે તેની પણ વાત કરી હતી.
મેયર અને લેન્કેશાયરના હાઈ શેરિફે સોસાયટીએ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા તેમજ યુકે અને ભારત વચ્ચે મજબૂત સંબંધોને જાળવવા કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. ભારતીય રાષ્ટ્રગીત અને બ્રિટિશ રાષ્ટ્રગીત વગાડવા સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું.