લંડનઃ ભારતીય હાઈકમિશન, લંડન દ્વારા ઈન્ડિયા હાઉસ ખાતે 14 ઓગસ્ટ, 2024ના રોજ ભારતના વિભાજનની યાતનાઓને દર્શાવતું તસવીરી પ્રદર્શન ‘પાર્ટિશન હોરર્સ રિમેમ્બરન્સ ડે’ અને પ્રાસંગિક સ્મરણ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં ફિલ્મનિર્માતા લલિત મોહન જોશી અને સંસ્કૃતના વિદ્વાન શિવ કાન્ત શર્મા દ્વારા કાવ્યોનું પઠન તેમજ કર્ણાટકી વાયોલિનિસ્ટ અપર્ણા રઘુરામન દ્વારા વાયોલિન વાદન કરવામાં આવ્યું હતું.
યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર શ્રી વિક્રમ દોરાઈસ્વામીએ મહેમાનો સમક્ષ સંબોધનમાં ભારત અને પાકિસ્તાનના વિભાજન થકી સર્જાયેલા ઐતિહાસિક માનસિક આઘાત અને વિસ્થાપન વિશે જણાવી સહભાગી ઓળખ અને ભાંગી પડેલા સાંસ્કૃતિક સંબંધો પર ભાર મૂક્યો હતો.
તેમણે ફરજિયાત સ્થળાંતર, પ્રોપર્ટીઝનું નુકસાન અને કાયમી સાંસ્કૃતિક પરિવર્તનોની નોંધ લેવા સાથે પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને બંગાળમાં કોમ્યુનિટીઓ પર પડેલી અસરોને ઉજાગર કરી હતી. આ ચર્ચામાં લોકો દ્વારા આઘાતના અનુભવો અને સંસ્થાગત જાગરૂકતાની જરૂરિયાત સ્વીકારી ભવિષ્યની કરૂણાંતિકાઓને અટકાવવા આ ઘટનાઓને યાદ રાખવાના મહત્ત્વ પર ભાર મૂકાયો હતો. ભૂતકાળમાંથી બોધપાઠ લઈ તેનો આદર કરવા અને વધુ સમાવેશી અને સ્વતંત્ર સમાજ માટે પ્રયાસશીલ રહેવાની હાકલ સાથે તેમના સંબોધનનું સમાપન થયું હતું.