સાન એન્ટેનિયોઃ ભારતમાં હજુ તો દિવાળીનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે ત્યારે અમેરિકામાં તેની ઉજવણીની શરૂઆત પણ થઇ ગઇ છે. શનિવારે કેલિફોર્નિયાનું સેન એન્ટેનિયો 15મા એન્યુઅલ દિવાળી ફેસ્ટિવલની ઉજવણીમાં વ્યસ્ત થઇ ગયું હતું. આર્નેસન રિવર થિયેટર ખાતે હજારો લોકોએ ભારતના પરંપરાગત નૃત્ય, મનોરંજન, ફૂડ અને ક્રાફટના જલસા વચ્ચે દિવાળીની ઉજવણી કરી હતી. દિવાળી મહોત્સવમાં 20થી 40 હજાર લોકો ભાગ લેતાં હોય છે અને તેનું યજમાન સેન એન્ટોનિયો અને અનુજા એસએ હોય છે. આ ઉજવણીની શરૂઆત 2008માં કરવામાં આવી હતી. શનિવારે લોકોએ રંગોળીઓ કરી હતી અને ભાતભાતના દીવડાઓ સજાવ્યા હતા. આ પ્રસંગે ભારતીય વસ્ત્રોના એક્ઝિબિશન કરવા ઉપરાંત વિવિધ મોડેલ્સ દ્વારા ભારતીય વસ્ત્રોને પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.