ભારતી પંકજની અંગ્રેજી કવિતાઓના પુસ્તકનો વિમોચન ગુજરાતી લિટરરી ગ્રૂપ - લેસ્ટર દ્વારા 15 સપ્ટેમ્બરે યોજાયો હતો. આ પ્રસંગે પ્રોફેસર વરનન મેન્સકી મુખ્ય મહેમાનપદે અને અબ્દુલ કરીમ ઘીવાળા અતિથિવિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લેસ્ટર, યોર્કશાયર, લેન્કેશાયર, કોવેન્ટ્રી અને લંડનના કવિઓ અને કવિતાપ્રેમીઓએ હાજરી આપી હતી.
કવિયત્રી ભારતી પંકજનું બેદારભાઈ લાજપુરી અને યુસુફ સિદાતભાઈએ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. પુસ્તકનું લોકાર્પણ પ્રોફેસર મેન્સકીએ કર્યું હતું, જેમણે આ પુસ્તકમાં પ્રસ્તાવના લખી છે. એમણે કવિયત્રીને અભિનંદન આપ્યાં અને કહ્યું કે આંતરસાંસ્કૃતિક વ્યવહાર માટે ભારતીની કવિતાઓ નોંધપાત્ર છે. જ્યારે શ્રી ઘીવાળાએ ભારપૂર્વક કહ્યું હતું કે સાહિત્યિક સાંસ્કૃતિક વારસાને જાળવવો એ આજની જરૂરિયાત છે.
આશાબેન નથવાણીએ ભારતી પંકજની કવિતાઓના ઉદાહરણ આપતાં કહ્યું કે આ ભાવો વાચકોને વિચારતા કરી મૂકે છે. ડો. અદમભાઈ ટંકારવીએ પ્રખ્યાત કવિ હરીશભાઈ મીનાશ્રુએ ભારતી પંકજની કવિતાઓ ઉપર લખેલી ટિપ્પણીને યાદ કરતાં કહ્યું કે ભારતી પંકજે કોઈ અભિનિવેશ દાખવ્યા વિના નારીવાદી નહીં, પણ પ્રતીતિજનક રીતે નારીવાચક કાવ્યો રચ્યા છે. અલકાબેન ગાંધીએ ભારતીબેનના ગુજરાતી સાહિત્ય ફોરમમાં આપેલા સહકાર અને યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો.
અહમદ ગુલ-ઓબીઇએ પોતાની કવિતાઓ અંગ્રેજીમાં અનુવાદ કરી છે તેમણે કહ્યું કે આપણે આપણા ગુજરાતી સાહિત્યને અંગ્રેજી માધ્યમ દ્વારા જ જાળવી શકીશું. કવિતા દત્તાણી કે જેઓ પોતે અંગ્રેજીના કવિ છે એમણે કહ્યું કે મારા જેવા અંગ્રેજી ભાષામાં બોલનાર માટે અંગ્રેજીમાં ભાષાંતર થાય તો જ આ સાંસ્કૃતિક વારસો અમારા સુધી પહોંચી શકે. નીમિષા પરમારે ભારતી પંકજની કવિતાઓ પ્રત્યે પોતાની રુચિ બતાવીને કહ્યું કે કેવી રીતનાં ફેસબુક દ્વારા અસંખ્ય લોકો એમની કવિતાઓ સાંભળે છે, જુએ છે અને માણે છે.
આ પ્રસંગે ભારતી પંકજે પોતાની કવિતાઓ રજૂ કરીને સાથે સાથે પોતાની સર્જનપ્રક્રિયા વિષે પણ વાત કરી. પ્રશ્ન અને જવાબના સત્ર સમયે પંકજ સાથેના પોતાના સાહિત્યિક પ્રવૃતિઓ વિષેના સંસ્મરણો તાજા કર્યા. આ પ્રસંગની ખાસ વિશેષતા એ હતી કે ભારતીની કવિતાઓ કથક નૃત્ય દ્વારા રજૂ કરાઈ હતી. આના કોરિયોગ્રાફર
નિલિમાદેવી-એમબીઇ હતા. નૃત્યાંગના ચાંદની પ્રેમજી અને એનન્ડ્રીયા મોનાલિસા હતા. કાર્યક્રમના અંતમાં આભારવિધિ સાધનાબેન વૈદ્યે કરી હતી. કાર્યક્રમનું સુંદર સંચાલન ઈમ્તિયાઝ પટેલ વરડીયાવાલાએ કર્યું હતું. દિલીપભાઈ ગજ્જરે માઇક્રોફોનની વ્યવસ્થાને કુશળતાપૂર્વક નિભાવી હતી. પ્રેક્ષકોએ મનભરીને કાર્યક્રમ માણ્યો હતો. (તમામ ફોટોઃ Gordon Chen)