લંડનમાં ગત સપ્તાહે ભારતના 77મા સ્વાતંત્ર્ય દિન તેમજ ચંદ્રયાન – 3 મૂન મિશનની ઐતિહાસિક અને અભૂતપૂર્વ સફળતાને ઉજવવા ભવ્ય ‘ઈન્ડિયા ડે’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટ લંડનના નવનાત સેન્ટરમાં યોજાયો હતો અને ભારતીય ડાયસ્પોરાના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉજવણીમાં ભાગ લીધો હતો. મીડિયા સાથે વાતચીત કરતા યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ કહ્યું હતું કે સ્વતંત્ર ભારતના 76 વર્ષના ઈતિહાસ અને વિશેષ રીતે ગત દાયકામાં જે સિદ્ધિઓ હાંસલ થઈ તેના વિશે ગૌરવ અનુભવવા ઘણું બધું છે. તેમણે ઉમેર્યું હતું કે વિશ્વસ્તરે ભારતની સફળતામાં ડાયસ્પોરાની ભૂમિકા કેન્દ્રસ્થાને છે. ABPLના એડિટર-ઈન-ચીફ સી.બી. પટેલ પણ આ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોગ્રામ દરમિયાન હેરિટેજ બેંગાલ ગ્લોબલ દ્વારા બંગાળની સાંસ્કૃતિક વિરાસત વિશે એક ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી.