લંડનઃ આઈકોનિક લેસ્ટર સ્ક્વેરમાં પંજાબી ઢોલના તાલે ઝૂમતા ભારતીય લોકોએ વ્યૂ વેસ્ટએન્ડ થીએટર પર અભિનેતા અને સાંસદ સની દેઓલનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ભારતીય હાઈ કમિશન અને ઝી સ્ટુડિયો દ્વારા ફિલ્મ ગદર 2નું સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોનો ઉત્સાહ નિહાળી સની દેઓલે તેમની સાથે થોડો સમય ભાંગડા નૃત્યમાં સાથ આપ્યો હતો અને સની સાથે સેલ્ફીઝ લેવા માટે પ્રશંસકોએ દોડાદોડી કરી મૂકી હતી.
લંડનના વ્યૂ વેસ્ટએન્ડ થીએટરનું સ્ક્રીન 5 ભારતીય ઓડિયન્સથી ભરચક હતું અને લોકો તેમના લાડીલા હીરોને આવકારવા રાહ જોઈ રહ્યા હતા. અનુજ રાડિઆએ ઉદઘોષકની ભૂમિકા ભજવી હતી. પત્ની સંગીતા સાથે આવેલા ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ સંબોધન કર્યું હતું. ફિલ્મનિર્માતા શેખર કપૂર તથા પ્રસિદ્ધ લેખક અને નેહરુ સેન્ટરના ડાયરેક્ટર અમીશ ત્રિપાઠી પણ ઓડિયન્સમાં ઉપસ્થિત રહ્યા હતા.
હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ આ ફિલ્મનું સ્ક્રીનિંગ ભારતીય સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે હોવાનું જણાવતા કહ્યું હતું કે આ ફિલ્મના હીરોએ જ તેમને ઈમેઈલ મોકલી યુકેમાં ભારતીય કોમ્યુનિટી માટે સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવાની વિનંતી કરી હતી. આ પછી, ટુંકી મુદતમાં જ ડેપ્યુટી હાઈ કમિશનર શ્રી સુજિત ઘોષ અને અમીશ ત્રિપાઠીએ કેવી રીતે ઝડપ અને ક્ષમતાપૂર્વક આયોજન કર્યું હોવાની વાત કરી હતી. લેસ્ટર સ્ક્વેરના કેન્દ્રમાં આ ઈવેન્ટનું આયોજન થઈ શક્યું તે બદલ તેઓ ભારે રોમાંચિત હોવાનું પણ હાઈ કમિશનરે જણાવ્યું હતું.
સની દેઓલ ફિલ્મ ગદર 2માં તારા સિંહનું પાત્ર ભજવે છે અને તેના જ વેશમાં પીળા રંગની પગડી અને ભૂખરા ગ્રીન કલરના કુર્તામાં સજ્જ થઈને આવ્યા હતા. તેમણે ઓડિયન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘અહીં આવવું મારા માટે ગૌરવરૂપ છે. 2001માં નિર્માણ કરાયેલી ફિલ્મ ગદર બધા સાથે જોડાઈ ગઈ હતી. મને તેનો બીજો પાર્ટ બનાવવામાં ડર લાગતો હતો કારણકે ગદર આઈકોનિક ફિલ્મ હતી. તેમાં બધું જ હતું અને તેની સાથે સરખામણીમાં બેસી શકે તેવી ફિલ્મ કેવી રીતે બનાવવી તે સવાલ હતો. પરંતુ, કોવિડના સમયમાં બધા સંઘર્ષ કરી રહ્યા હતા અને લોકો પાસે સમય જ સમય હતો. આ વખતે ડાયરેક્ટર અનિલ શર્મા અને લેખક શક્તિમાન આ આઈડિયા લઈને આવ્યા અને તત્કાળ તે મગજમાં બેસી ગયું. હવે આ ફિલ્મ લઈને અમે આવ્યા છીએ જેની ઉજવણી વિશ્વ કરી રહ્યું છે અને આ ફિલ્મ કેટલી સુંદર છે તે કહેવાની શરૂઆત કેવી રીતે કરવી....’ ઓડિયન્સનો જોરદાર માગણીથી સની દેઓલે પોતાના સંબોધનનું સમાપન ગદર ફિલ્મના લોકપ્રિય ડાયલોગ ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, ઝિંદાબાદ હે ઔર ઝિંદાબાદ રહેગા’ની રજૂઆત પ્રસિદ્ધ અભિનય મુદ્રા (હવામાં પમ્પ સાથે હાથ ઊંચો રાખવા)ની સાથે કર્યું હતું.’ ઓડિયન્સે અભિનય અને ડાયલોગને તાળીઓના ગડગડાટ અને ચિચિયારી સાથે વધાવી લીધો હતો.