ભાવનગરમાં મંત્રપુષ્પાંજલિ સાથે પ.પૂ. મહંતસ્વામીનો ૮૫મો જન્મદિન ઉજવાયો

Wednesday 10th October 2018 06:50 EDT
 
 

ભાવનગરમાં તા.૨ ઓક્ટોબરે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામીની નિશ્રામાં સમર્પણ દિનની ઉજવણીમાં હરિકૃષ્ણ મહારાજની હીરક તુલા કરવામાં આવી  હતી. તા.૩ ઓક્ટોબરે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં ૩૦ હજારથી વધુ હરિભક્તો અને ૬૦૦થી વધુ સંતોની ઉપસ્થિતિમાં પૂ. મહંત સ્વામીની ૮૫મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ હતી. આશીર્વચન પાઠવતા પૂ. મહંત સ્વામીએ કહ્યું હતું કે બધું જ કાર્ય ભગવાન પર છોડી દેવું, તો મન પર ભાર ન રહે. આપણા પર રાખીએ તો ભાર લાગે, પણ ભગવાન પર ઢોળી દઈએ તો કાર્ય પણ પૂરું થાય અને જરાય ભાર ન લાગે. બાદમાં યોજાયેલી હજારો દીવડાની સમૂહ આરતીથી વાતાવરણ દિવ્ય બની ગયું હતું. આ પ્રસંગે રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું જેમાં ૨૧૦થી વધુ બોટલ લોહી એકત્ર કરાયું હતું. પ.પૂ. મહંત સ્વામીની જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન, લંડન ખાતે વિશેષ સ્મૃતિ પર્વ કથા શ્રેણી સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે સદ્ગૂરુ પૂ. ત્યાગવલ્લભ સ્વામી સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તા. ૫ ઓક્ટોબર સુધી ઉજવાયેલા સ્મૃતિ પર્વમાં પૂ. જનમંગલ સ્વામીએ ‘સેલિબ્રેટિંગ ધ લાઇફ એન્ડ વર્ક ઓફ અવર ગુરુ પરંપરા’ પર પ્રવચન આપ્યું હતું. ભાવનગરમાં તા.૪ ઓક્ટોબરે શ્રીજી મહારાજ અને પૂ. પ્રમુખસ્વામીનું સ્મૃતિપર્વ ઉજવાયું હતું. સાંજની સભામાં શ્રીજી મહારાજ અને પૂ. પ્રમુખ સ્વામી વચ્ચેની સામ્યતા વિશે સંતોના પ્રવચનો અને સંવાદ રજૂ થયા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter