ભુજ: જૈન ધર્મના 24મા તીર્થંકર એટલે ‘અહિંસા પરમો ધર્મ’નો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીર. ભગવાન મહાવીરનો જન્મ માતા ત્રિશલાના કુખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો. ચૈત્ર સુદ તેરસ, સોમવારના કન્યા રાશિમાં જન્મેલા ભગવાન મહાવીરની કુંડળી ભુજની સૌથી જૂની મોટી પોશાળ જાગીરની દિવાલ પર અંકિત જોવા મળે છે.
જૈન ધર્મનો વ્યાપ કરનાર ભગવાન મહાવીરની કુંડળી અંગે મોટી પોશાળ જાગીરના મહંત પ્રવીણ ગોરજી જણાવે છે કે, કુંડળી દર્શાવે છે કે સૂર્ય, મંગળ, શનિ અને ગુરુ ઉચ્ચ સ્થાને છે, જે રાજયોગ અપાવે છે. વિશેષમાં આ ગ્રહો ધર્મ અને અહિંસા પણ સૂચવે છે. જન્મકુંડળીના આધારે જોતાં એમ કહી શકાય કે ભગવાન શ્રી મહાવીરનો જન્મ મકર લગ્નમાં થયો હતો. લગ્ન સ્થાને મંગળ ઉચ્ચનો છે. ચોથા સ્થાને સૂર્ય ઉચ્ચનો છે. સાતમા સ્થાને ગુરુ ઉચ્ચનો છે અને દસમા સ્થાનમાં શનિ ઉચ્ચનો છે. આમ માત્ર ચાર જ ગ્રહ ઉચ્ચ રાશિમાં છે. જોકે આ કુંડળીની વિશેષતા એ છે કે આમાં ચારેય ગ્રહ કેન્દ્રસ્થાને ઉચ્ચ ગ્રહમાં બેઠેલા છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મંગળ, ગુરુ, શનિ, બુધ અને શુક્ર આ પાંચ ગ્રહોમાંથી એક પણ ગ્રહ કેન્દ્રમાં ઉચ્ચ રાશિના હોય તો મહાપુરુષ યોગ થાય છે.