અમદાવાદઃ મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અમદાવાદ શહેરની 614મી વર્ષગાંઠ પ્રસંગે પુસ્તક લોકાર્પણ અને સાબરમતીની આરતીનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો.
સાબરમતી રિવરફ્રન્ટ પર આચાર્ય પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જાણીતા ઈતિહાસકાર ડો. રિઝવાન કાદરી સંશોધિત - સંપાદિત ‘સાભ્રમતિ માહાત્મ્ય ભાગ-૨’ ગ્રંથનું જગન્નાથ મંદિરના પ.પૂ. મહંત દિલીપદાસજી મહારાજના હસ્તે લોકાર્પણ થયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય અમિત શાહ, પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઇ ભટ્ટ સહિતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મૂળથી મુખ સુધીની 419 કિમી જેટલી લંબાઇ ધરાવતી સાબરમતી હજારો વર્ષ પહેલાં ‘કાશ્યપી ગંગા’ને નામે ઓળખાતી હતી.
પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની પ્રેરણા, પ્રોત્સાહન અને આશીર્વાદથી આ ગ્રંથ પ્રકાશિત કરાયો છે. અગાઉ પણ સંસ્થાન દ્વારા ‘સરદાર પટેલ એક સિંહ પુરુષ’, ‘ટિળકની ટેક’, ‘સરદારની ભેખ’ અને ‘ગાંધી ટિળક’ સહિતના માહિતીસભર ગ્રંથોનું પ્રકાશન થયું છે.