મસ્કત: મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા એ ઘણી મોટી ઉપલબ્ધિ છે અને ઓમાનમાં સ્થાનિક લોકો સાથે એકરસ થઈને સૌનો આદર મેળવવા બદલ સમાજના દરેક લોકોને હું અભિનંદન આપું છું, એમ ઓમાન ખાતેના ભારતીય રાજદૂત અમિત નારંગે સુવર્ણજયંતી ઉજવણીની પૂર્વ સંધ્યાએ ગરિમાપૂર્ણ સમારંભને સંબોધતા જણાવ્યું હતું.
મસ્કતમાં વસતાં ભારતીય સમાજમાં આગવી ચાહના મેળવનાર અમિત નારંગે શેખ કનકશી ખીમજી, શેખ અનિલભાઈનાં યોગદાનને યાદ કરીને કહ્યું કે, મસ્કત ગુજરાતી સમાજ ભારત અને ઓમાન વચ્ચે જીવંત સેતુ બની રહ્યો છે.
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સંજોગોવસાત ઉપસ્થિત રહી શક્યા નહોતા તો તેમણે વીડિયો સંદેશ પાઠવ્યો હતો. તેમણે મસ્કતમાં મિની ગુજરાત ઊભું કરનાર સર્વે ગુજરાતી-કચ્છી વ્યવસાયકારોને ગુજરાત તરફ દૃષ્ટિ કરવા, ગુજરાતમાં મૂડીરોકાણ માટેના આદર્શ માહોલનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સકારને બિનરહીશ ગુજરાતીઓ માટે ગર્વ છે. કચ્છના સંસદસભ્ય વિનોદ ચાવડા પણ સ્થાનિક ચૂંટણીઓમાં વ્યસ્તતાને લીધે મસ્કત પહોંચી શક્યા ન હોવાથી કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી.
ભારતીય એમ્બેસીના ભવ્ય સભાખંડમાં જાણે ગુજરાત અને કચ્છ ઊમટયું હતું. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની ચાહના અને આદરનો ઉમળકો સ્થાનિક કચ્છી ભાઈ-બહેનોમાં જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયા અને જન્મભૂમિ ગ્રૂપના મુખ્ય તંત્રી - સીઈઓ કુંદનભાઈ વ્યાસ, ગુજરાતના જાણીતા કેન્સર સર્જન ડો. રાજેન્દ્ર ટોપરાણી, પ્રસિદ્ધ સિનિયર ધારાશાત્રી અનિલભાઈ ગાલાની વિશેષ ઉપસ્થિતિ હતી.
મસ્કત અને ઓમાનમાં સૌરાષ્ટ્ર, ગુજરાત સાથે સૌથી વિશેષ ધબકાર કચ્છ-માંડવીનો સાંભળવા મળે છે. ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ ઓમાનમાં ગુજરાતી, કચ્છીઓએ અથાગ પરિશ્રમ કરીને પ્રગતિ સાધી છે એની ખાસ નોંધ લીધી હતી. તેમણે કહ્યું કે, કચ્છીઓએ પેઢી દર પેઢીથી મુશ્કેલ આબોહવા, પરિસ્થિતિમાં સંઘર્ષ કર્યો છે. તેમના પરસેવા થકી 50 વર્ષથી ‘ખુશ્બૂ ગુજરાત કી’ મહેકી રહી છે. જુદી રીતરસમવાળા દેશમાં તેમના કાયદા વચ્ચે કામકાજ કરીને રહેવું સહેલી વાત નથી. આ તો જ થઈ શકે જો સ્થાનિક લોકો, સ્થાનિક તંત્રનો વિશ્વાસ સંપાદિત થાય. મસ્કતી ગુજરાતીઓએ અપાર વિશ્વાસ જીત્યો છે.