બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજની 14 જૂને રાજકોટમાં પધરામણી થતાં હરિભક્તોએ રંગેચંગે તેમને આવકાર્યા હતા. રાજકોટમાં 10 જુલાઇ સુધીના રોકાણ દરમિયાન કાલાવડ રોડ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. મહંત સ્વામી મહારાજના આગમન પ્રસંગે સમગ્ર સ્વામિનારાયણ મંદિરને રંગબેરંગી સુશોભનથી શણગારાયું છે. બાળકોએ નૃત્ય દ્વારા તો યુવાનોએ ઢોલનગારા સાથે સ્વામીના આગમનને વધાવ્યું હતું જ્યારે મહિલા ભક્તોએ મંદિરને રંગોળીઓ દ્વારા સુશોભિત કરી ગુરુહરિને વધાવ્યા હતા. મહંત સ્વામી મહારાજના આગમનને વિશેષ ભક્તિથી વધાવવા રાજકોટના સેંકડો હરિભક્તો છેલ્લા 108 દિવસથી ભજન, વાંચન, મુખપાઠ, ઉપવાસ, ઘરસભા, સેવા વગેરે વિવિધ ભક્તિયજ્ઞો કરી રહ્યા હતા.