પ્રયાગરાજઃ ભારતની શાશ્વત સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાઓનો સૌથી મોટો સંગમ મહાકુંભ ફક્ત શ્રદ્ધાળુઓ-ભક્તો માટે જ નહીં પરંતુ સંતો, મહાપુરુષો અને ધાર્મિક મનીષિઓ માટે પણ દિવ્ય પ્રસંગ છે. વર્ષ 2025ના મહાકુંભમાં, આ પાવન અવસરે, બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામીજી મહારાજની પ્રેરણાથી રચાયેલ, પરબ્રહ્મ સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત શ્રી અક્ષર પુરુષોત્તમ દર્શન પર આધારિત, ‘શ્રી સ્વામિનારાયણ ભાષ્ય’નું ભવ્ય સ્વાગત કરાયું હતું. મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજી દ્વારા રચાયેલ આ ભાષ્ય, ભારતીય દર્શન, વેદાંત અને ઉપનિષદોના ગહન રહસ્યોને સમજાવતો એક વિરલ ગ્રંથ છે.
મહાકુંભમાં ભારતના પ્રખ્યાત સન્યસ્ત આશ્રમો, પીઠો અને અખાડાઓના પૂજ્ય સંતોએ ‘શ્રી સ્વામિનારાયણ ભાષ્ય’ના આ અનોખા યોગદાનને સહર્ષ સ્વીકારી તેને વેદાંત પરંપરાની શ્રેષ્ઠ કૃતિ તરીકે બિરદાવ્યું હતું. આ પ્રસંગે, વિવિધ અખાડાઓના અગ્રણી આચાર્યો અને મહામંડલેશ્વરોએ આ પુસ્તકને સનાતન ધર્મની સમૃદ્ધ પરંપરામાં એક અમૂલ્ય ઉપહાર સમાન ગણાવ્યું હતું.
મહાકુંભની આ દિવ્ય ક્ષણોમાં જૂના પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદગિરિજી મહારાજે ‘શ્રી સ્વામિ-નારાયણ ભાષ્ય’ને ખાસ આશીર્વાદ આપ્યા હતા તેમજ ભાષ્યકાર મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા હતા.
આ ઉપરાંત, નિર્વાણ પીઠાધીશ્વર સ્વામી વિશોકાનંદજી મહારાજ, નિરંજન પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદજી મહારાજ, આનંદ પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી બાલકાનંદજી મહારાજ અને પરમાર્થ સાધક સેવા સંઘના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી પ્રણવ ચૈતન્યપુરીજી મહારાજે પણ આ પુસ્તકની પ્રશંસા કરી અને તેને સંત સમુદાય અને સાધકો માટે મૂલ્યવાન માર્ગદર્શક ગણાવ્યું હતું.
પૂ. સ્વામી ગોવિંદદેવગિરિજી મહારાજે પણ આ ભાષ્યને આશીર્વાદ આપ્યા હતા. સમકાલીન સમયમાં પૂ. મહંત સ્વામીજી મહારાજ દ્વારા પ્રસારિત આ સિદ્ધાંત ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર સનાતન ધર્મના સાધકો માટે ઉપયોગી છે.