અહિંસાના રાહ પર ચાલીને અંગ્રેજોની ચુંગાલમાંથી ભારતને આઝાદી અપાવનાર ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન પ્રસંગે તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાના એક કાર્યક્રમનું આયોજન ભારતીય હાઇ કમિશન, લંડન અને ઇન્ડિયા લિગ દ્વારા કરવામાં આવ્યું છે.
ટેવિસ્ટોક સ્કવેર ગાર્ડન્સ, બ્લુમ્સબરી, કેમડેન, લંડન WC1H 9EU ખાતે તા. ૩૦-૧-૧૬ શનિવારના રોજ સવારે ૧૧ કલાકે મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે ભારતના નવનિયુક્ત હાઇકમિશ્નર શ્રી નવતેજ સરના અને અન્ય અધિકારીઅો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઅો ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ સંસ્થાઅોના અગ્રણીઅો ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે અને ગાંધીજી વિષે ટૂંકમાં પ્રવચન કરશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વિવિધ સંસ્થાઅોના અગ્રણીઅો અને જાહેર જનતાને નિમંત્રણ છે.
* મહાત્મા ગાંધી નિર્વાણ દિન પ્રસંગે ધ ઇસ્ટ ઇન્ડિયા કંપની, લંડન દ્વારા 'ગાંધી અ રેટ્રોસ્પરેક્ટિવ' કાર્યક્રમનું આયોજન તા. ૨૬-૧-૨૦૧૬ના રોજ મંગળવારે સાંજે ૭ કલાકે કેડોગન હોલ, સલોન ટેરેસ, લંડન SW1X 9DQ ખાતે કરવામાં આવ્યું છે. કાર્યક્રમને ગાંધીયન લેખક અને ક્યુરેટર બિરાદ યાજ્ઞિક પ્રસ્તુત કરશે અને વિવિધ કલાકારો ભક્તિગીતો રજૂ કરશે. સંપર્ક: 020 7730 4500.