લંડનઃ ગયા વર્ષે કોરોના મહામારીના પડકારો હોવા છતાં વર્લ્ડ જ્યૂઈશ રિલીફની ફંડરેઝિંગ આવક તેની અગાઉના વર્ષ કરતાં ૧૩ ટકા વધીને ૭.૨ મિલિયન પાઉન્ડ થઈ હતી. સંસ્થાના ડિરેક્ટર ઓફ ફિલાન્થ્રોપી એલીસા એવિગ્ડરે સિવિલ સોસાયટી મીડિયાના ફંડરેઝિંગ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ચેરિટીને લાગતું હતું કે આવકમાં ૨૦ ટકાનો ઘટાડો થશે અને સ્ટાફને ફર્લો પર ઉતારવો પડશે. જોકે, ફંડરેઝિંગમાં ચેરિટી માટે આ વર્ષ ખૂબ જ સારું રહ્યું હતું. ચેરિટીએ તેનું ફંડરેઝિંગનું લક્ષ્ય વધાર્યું હતું અને થોડા સમય માટે ત્રણ સ્ટાફને ફર્લો પર ઉતાર્યા હતા.
ચેરિટીના વાર્ષિક ડિનર દ્વારા સામાન્ય રીતે દર વર્ષે ૧ થી ૧.૩ મિલિયન પાઉન્ડ એકત્ર થાય છે. ગયા વર્ષે ચેરિટીએ તેની પ્રવૃત્તિઓ વિશેની વાત અને સહાય માટે અનુરોધ કરતી ૪૫ મિનિટની પ્રિ - રેકોર્ડેડ સેશનનું ઓનલાઈન આયોજન કર્યું હતું.
વર્લ્ડ જ્યૂઈશ રિલીફે તેનું ૧.૨ મિલિયન પાઉન્ડનું લક્ષ્ય હાંસલ કર્યું હતું.
તેમણે ગાઢ સંબંધો, પારદર્શિતા અને સપોર્ટર્સ સાથેના મજબૂત સંબંધોને લીધે ફંડરેઝિંગમાં વૃદ્ધિ થઈ હોવાનું જણાવીને ઉમેર્યું કે મહામારીની શરૂઆતમાં તેમણે ૮૦ અને તેથી વધુની વયના તમામ દાતાઓને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો. તે ખૂબ મોટું કામ હતું, પરંતુ તે આટલા વર્ષો સુધી સાથે રહેવા બદલ આભાર વ્યક્ત કરવાની પદ્ધતિ હતી.