લંડનઃ મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) દ્વારા ફરી એક વખત ગણેશોત્સવની ભાવના અને ઉત્સાહને જીવંત બનાવાયો હતો. ભગવાન ગણેશજીના ઉત્સવની ભવ્ય 33મી વાર્ષિક ઊજવણી અસંખ્ય ગણેશભક્તોની હાજરીમાં શનિવાર, 7 સપ્ટેમ્બરે કરવામાં આ્રવી હતી. 10 દિવસ સુધી ચાલનારા પરંપરાગત ગણેશોત્સવે તેની પવિત્રતા, ઉત્સાહના રંગથી છવાયેલી વિધિઓ અને કોમ્યુનિટીની પ્રગાઢ ભાવનાથી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ બનાવ્યા હતા.
ઢોલ-ત્રાંસા બેન્ડના થીરકાવતા અવાજો સાથે ભગવાન ગણેશના શુભાગમન સાથે ઊજવણીઓની છડી પોકારાઈ હતી અને તેને ભવ્ય ઉત્સવ બનાવવા MML દ્વારા કોઈ કસર છોડાઈ ન હતી. પ્રાર્થના, ભક્તિગીતો અને સ્થળની સજાવટ સાથે ગણેશજીના આગમનને વધાવી લેવાયું હતું.
પરંપરા અનુસાર આ વર્ષની ગણેશોત્સવ ઊજવણીનો વિષય ‘રામ અયોધ્યા’ રખાયો હતો. ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યાને સાજસજાવટ અને પ્રકાશની રેલમછેલથી વણી લેવાયું હતું. જેના થકી ભારતીય ડાયસ્પોરાને એક તાંતણે બાંધી રાખતા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની સહુને સ્મરણ કરાવાયું હતું. ભગવાન રામના ન્યાયપરાયણતા, કરુણા, અને કર્તવ્યપાલન સહિતના મહાન ગુણોને ઉપસ્થિત લોકોએ હૃદયથી વધાવી લીધા હતા.
મહારાષ્ટ્ર મંડળ લંડનના પ્રમુખ વિશાલ ખાંડકેએ પ્રાચીન અને પરંપરાગત મંત્રોચ્ચાર વિધિ અનુસાર પ્રેમભાવ અને પ્રકાશની દીપમાળા સાથે પૂજા કરી હતી અને લોકો સાથે મળી ડહાપણ, સમૃદ્ધ અને વિઘ્નો દૂર કરવાના આશીર્વાદ માટે પ્રાર્થના કરી હતી. ઉપસ્થિત લોકો માટે આ અનુભવ શાંતિ આપનારો અને ધર્મબંધનમાં જોડનારો બની રહ્યો હતો.
મહારાષ્ટ્રિયન લોકનૃત્ય લેઝિમ પરફોર્મન્સ આ ઈવેન્ટનું મુખ્ય આકર્ષણ બન્યું હતું, સભ્યોએ લંડનમાં જ મિનિ ભારતની રચના કરી જાણી હતી. મહારાષ્ટ્ર મંડળ લંડનના સભ્યોએ ગણેશોત્સવને સફળ બનાવવા ભારે મહેનત અને નિષ્ઠા સાથે કામ કર્યું છે જે યુકેમાં ભારતીય સમુદાય માટે સ્મરણ બની રહેશે. ભક્તોને મપ્રસાદ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગણેશોત્સવની 10 દિવસની ઊજવણી ચાલી રહી છે ત્યારે મહારાષ્ટ્ર મંડળ લંડન વધુ રોમાંચક કાર્યક્રમો, આધ્યાત્મિક વિધિવિધાન અને આનંદોત્સવની ખાતરી આપે છે. ઉત્સવના સમાપને વિસર્જન કરવામાં આવશે જ્યારે ભક્તજનો આગામી વર્ષે જલ્દી પધારજોની પ્રાર્થના સાથે ગણેશજીને વિદાય આપશે. 33 વર્ષથી ચાલતા આવતા ગણેશોત્સવ શ્રદ્ધા, ધર્મ, સંસ્કૃતિ અને કોમ્યુનિટી સદ્ભાવનું પ્રતીક બની રહ્યો છે. આ વર્ષના કાર્યક્રમો તેના સમૃદ્ધ વારસામાં વધારો કરે છે.