પોરબંદરઃ મહેર સમાજ અને યુગાન્ડાનો વર્ષોથી અતૂટ નાતો રહ્યો છે ત્યારે ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા યુગાન્ડા સમિટનું આયોજન થયું હતું. ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા મહેર જ્ઞાતિના સર્વાંગી વિકાસ અર્થે તાજેતરમાં ઈસ્ટ આફ્રિકાના યુગાન્ડા ખાતે આંતરરાષ્ટ્રીય મહેર સંમેલન ‘યુગાન્ડા સમિટ-2022’નું આયોજન કરાતા યુકે, અમેરિકા, કેનેડા, દુબઇ, આફ્રિકા તેમજ ભારત સહિત દેશવિદેશથી બહોળી સંખ્યામાં મહેર જ્ઞાતિજનો સપરિવાર હાજર રહ્યા હતા. સાત દિવસ સુધી જ્ઞાતિના મજબૂત સંગઠન અને સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ વ્યવસાયિક સહિતની વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિનું આયોજન કરાયું હતું.
આ સમિટના પ્રથમ દિવસે સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા તથા સાથી ઉપપ્રમુખ તેમજ ઈસ્ટ આફ્રિકાથી રણમણભાઈ કેશવાલા, સ્વામી પરમાત્માનંદજી તેમજ સ્થાનિક મહેર સમાજના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું.
જ્ઞાતિજનોનો એકબીજા સાથે પરિચય થાય, ઈદી અમીનના શાસનકાળ દરમિયાન ભોગવેલી પારવાર મુશ્કેલી, સંભારણા બાદની સમાજની વિકાસયાત્રા, જ્ઞાતિના સામાજિક-શૈક્ષણિક પ્રશ્નોના નિરાકરણની પ્રામાણિક ચર્ચા માટે પેનલ ડિસ્કશન, જ્ઞાતિજનોમાં રહેલી સુષુપ્ત શક્તિની ખીલવણી માટે સ્ટેજ કાર્યક્રમ તેમજ જ્ઞાતિના પરંપરાગત પહેરવેશમાં સાંસ્કૃતિક ઝાંખી કરાવતાં મણિયારા રાસ, રાસડા, તલવારબાજી જેવા કાર્યક્રમનું આયોજન, પોરબંદરથી ખાસ પધારેલા દેવરાજભાઈ ગઢવી (ઉપલેટા) દ્વારા કરાયું હતું.
યુવાપેઢીમાં ખેલદિલીની ભાવના વધે તેવા આશય સાથે વિવિધ રમતો સાથે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરાયું. સમિટના અંતિમ દિવસે ફેરવેલ પાર્ટીમાં સ્થાનિક આફ્રિકાની લોકસંસ્કૃતિ રજૂ કરતા રંગારંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ સમિટમાં મુખ્ય મહેમાન તરીકે પોરબંદર તેમજ યુગાન્ડના ઉદ્યોગપતિ નાનજી કાલીદાસ મહેતા પરિવારના મોભી મહેન્દ્રભાઈ મહેતા, સુનયનાબહેન મહેતા, યુગાન્ડાના નાયબ વડાપ્રધાન તેમજ પૂર્વ સ્પીરકર રુબેકા કડગા, રાષ્ટ્રપતિના મુખ્ય સલાહકાર સામ અન્ગોલા, સુધીરભાઈ રૂપારેલીયા સાથે સ્થાનિક વિવિધ ભારતીય સમાજના આગેવાનોએ હાજરી આપી હતી.
આ તકે ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાએ મહેન્દ્રભાઈ મહેતાને મહેર સમાજની ગરિમા ધરાવતી પાઘડી પહેરાવી હતી તેમજ શાલ સાથે સ્મૃતિચિહ્ન અર્પણ કર્યા હતા. યુગાન્ડાના નાયબ વડાપ્રધાન રાબેકાને સ્મિતાબહેન ઓડેદરાએ શાલ સાથે સ્મૃતિચિહ્ન અર્પણ કરી આવકાર્યા હતા.
રણમલભાઈ કેશવાલાએ યુગાન્ડાના રાષ્ટ્રપતિના સલાહકાર સામ અન્ગોલાનો મહેર જ્ઞાતિની પરંપરાગત પાઘડી પહેરાવી તેમજ શાલ સાથે સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું. આર્યકન્યા ગુરુકુળની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ દ્વારા શાલ અર્પણ કરીને સુનયનાબહેન મહેતાની ભાવવંદના કરાઈ હતી.
મહેતા પરિવારના મોભી મહેન્દ્રભાઈ મહેતાએ જણાવ્યું કે મહેર સમાજ સદા તેમની સંસ્કૃતિથી જાણીતો રહ્યો છે. આજે દેશવિદેશમાં સ્થાયી મહેર સમાજ વિશ્વ કક્ષાએ પોતાની હાજરીની નોંધ આપી શકે છે તેવી સમર્થ સંસ્કૃતિ ધરાવે છે. યુગાન્ડાના નાયબ વડાપ્રધાન રાબેકાજીએ જણાવ્યું કે યુગાન્ડાવાસીઓ હમેશા મિલનસાર સ્વભાવ ધરાવે છે.