લંડનઃ લંડન મહેર કોમ્યુનિટી એસોસિએશન દ્વારા ફેલ્ધમ ખાતે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઇ ઓડેદરાના સન્માન માટે એક સમારોહનું આયોજન કરાયુ હતું. સમારોહનો પ્રારંભ આરતી સાથે કરાયો હતો. સમારોહમાં વિમલજીભાઇ ઓડેદરા દ્વારા મહેર સમુદાયના ઉત્કર્ષ - સશક્તિકરણ માટે કરાયેલા અથાક પ્રયાસોની નોંધ લઇ સન્માન કરાયું હતું. સમારોહનું સમાપન ગરબાના આયોજન સાથે કરાયું હતું.
આ પ્રસંગે વિમલજીભાઇએ જણાવ્યું હતુ કે, મહેર સમુદાયનો પ્રત્યેક વ્યક્તિ હકારાત્મક અને પ્રગતિશીલ વિચારસરણી સાથે એકબીજા સાથે સંકળાય તે માટે હું પ્રયાસો કરી રહ્યો છું. અમે ભારતમાં લિરબાઇ આઇ રથયાત્રાનું આયોજન કર્યું હતું. 21 દિવસમાં અમે સૌરાષ્ટ્રમાં સમુદાયના 177 ગામો સુધી પહોંચ્યા હતા. અમે સાંસ્કૃતિક અને આધ્યાત્મિકતાના સમાવેશ સાથે સારા શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ. સમુદાયના લોકો સાથે મુલાકાત કરવા મેં યુગાન્ડા અને દુબઇની મુલાકાત લીધી હતી અને સમુદાયના સશક્તિકરણ માટે સંભવિત બધું જ કરી છૂટવા પ્રયાસ કર્યાં હતાં. શ્રી. સી બી પટેલ આપણા વડીલ છે. આપણને હંમેશા તેમની પાસેથી પ્રેરણા, માર્ગદર્શન અને સમર્થન પ્રાપ્ત થતાં રહે છે.
ગુજરાત સમાચારના અને એશિયન વોઇસના એડિટર ઇન ચીફ અને પ્રકાશક અને મુખ્ય મહેમાન સી બી પટેલે જણાવ્યું હતું કે, મહેર સમુદાય તેના સમર્પણ, પ્રતિબદ્ધતા અને વફાદારી માટે જાણીતો છે. તેમના દ્વારા સંસ્કૃતિ, વારસા અને ભાષાની જાળવણી અસામાન્ય છે. વિમલજીભાઇ અને તેમની ટીમ સામાજિક અને સાંસ્કૃતિક જાગૃતિ ફેલાવી રહ્યાં છે. એનસીજીઓના પ્રમુખની રૂએ તેઓ બ્રિટનમાં ગુજરાતી સમુદાય માટે ભરચક પ્રયાસો કરી
રહ્યાં છે.
આ કાર્યક્રમનું સંચાલન ધીરૂભાઇ ગઢવીએ કર્યું હતું જ્યારે આભારદર્શન સંજય ઓડેદરા અને શૈલેષ ઓડેદરા દ્વારા કરાયું હતું.