જૈન સમાજ-માંચેસ્ટરના ઈતિહાસમાં પહેલી ઓક્ટોબરનો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો હતો. જૈન કોમ્યુનિટી સેન્ટર ખાતે જૈન–જૈનેતર ભાઈ–બહેનો રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈ સેંકડોની સંખ્યામાં એકત્ર થયા હતા. જૈન સમાજની સ્થાપનાને 50 વર્ષ અને દર્શનાલયની સ્થાપનાને 20 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ દર્શનાલયમાં શ્રી પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમાજીની સ્થાપના કરવામાં આવી હતી. દર્શનાલયમાં યોજાયેલા મૂર્તિ સ્થાપના મહોત્સવ પ્રસંગે સમાજના ટ્રસ્ટીઓ તથા કમિટી સભ્યો, સમાજ તરફથી મળેલી ઉષ્મા અને ઉમંગભર્યા પ્રતિસાદથી ખુશખુશાલ જણાતા હતા અને સંપૂર્ણ પ્રસંગ દીપી ઊઠ્યો હતો.
સ્વામી વાત્સલ્ય બાદ લંડન, લેસ્ટર, બર્મિંગહામ વગેરે અનેક સ્થળોએથી પધારેલા ભાઈ–બહેનોએ વરઘોડામાં જોડાઈને, વાજતે-ગાજતે પ્રતિમાજીને દર્શનાલયમાં લવાયા હતા. આ મૂર્તિ સ્થાપના મહોત્સવ માટે ખાસ ભારતથી પધારેલા પૂ. ગુરુદેવ શ્રી રાકેશજીના શુભ હસ્તે પ્રતિમાજીની સ્થાપના કરવામાં આવી હતી.
જૈન સમાજના પ્રમુખ નેહલભાઈ મહેતા તથા અન્ય હોદ્દેદારોના ખૂબ જહેમતથી સંપૂર્ણ પ્રસંગ ખૂબ ધામધૂમપૂર્વક પૂર્ણ થયો હતો.