લંડનઃ માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસીએશન (MYCA) વેમ્બલીની ગુજરાતી શાળા દર શૈક્ષણિક વર્ષના અંતે મનોરંજન કાર્યક્રમ યોજે છે, જેમાં ભારતીય સ્વતંત્રતા દિનની પણ ઉજવણી કરવામાં આવે છે. સંસ્થામાં છેલ્લા 48 વર્ષથી આ પ્રથા છે. આવો જ એક કાર્યક્રમ આઠમી જુલાઇના રોજ શાળામાં યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ શ્લોક અને પ્રાર્થના સાથે કાર્યક્રમનો આરંભ કર્યો હતો અને સ્વાગત ગીત દ્વારા મહેમાનોને આવકાર્યા હતા.
કાર્યક્રમમાં ભારતના, અને ખાસ કરીને ગુજરાતના મહાન નેતાઓ વિષે ખુબ જ અસ્ખલિતપણે વાંચન કરી સંભળાવ્યુ. સાથે સાથે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી...ના રચયિતા કવિ ખબરદારની પણ માહિતી આપી. આ પ્રસંગે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કરવામાં આવ્યા હતા તો બ્રિટનના વડા પ્રધાન રીશિ સુનાક વિષે પણ બાળકોને વાંચી સંભળાવવામાં આવ્યું હતું. બાળકોએ દેશભક્તિના ગીતો હોંશે હોંશે ગાયા હતા. તો નાના ભુલકાઓએ પોતાની કાલીઘેલી ભાષામાં કુચ ગીત અને કવિતા સંભળાવીને, બધાને ખુશ કરી દીધાં!
અને હા! ગુજરાતીઓનો કાર્યક્રમ હોય એટલે ગરબો તો હોય જ ને! બાળાઓનો સુંદર ગરબો નિહાળતાં ખરેખર ગુજરાતના હૈયાના ધબકારા સંભળાયા!
આ રીતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી, તેઓનો આત્મવિશ્વાસ ખીલવવાનો સંસ્થાનો ધ્યેય છે. આમ બાળકોમાં હસતાંરમતાં સંસ્કાર - સંસ્કૃતિનું સિંચન કરવામાં આવે છે. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવતા, દેશભક્તિના ગીતોના નાદે, કૂચ કરતાં કરતાં રંગમંચ પર પ્રવેશ કર્યો. ત્યાર પછી, સમુહમાં ભારતના રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ભેટ આપી તેઓની કલાની પ્રશંસા કરવામાં આવી હતી.
ગુજરાતી ભણાવવામાં અને કાર્યક્રમો યોજવામાં પરિવારનો પણ ખુબ જ મોટો ફાળો હોય છે તે સહુ કોઇએ યાદ રાખવું રહ્યું. આપણું ગુજરાતીપણું જીવંત રાખવા માટે સહિયારા પ્રયાસો કરવાની જરૂર છે. આ માટે સંતાનોને મીઠાશભરી માતૃભાષાનું અને આપણી ભારતીય સંસ્કૃતિના જ્ઞાનનું સિંચન કરવું જરૂરી છે.