લંડનઃ માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશન-વેમ્બલીની ગુજરાતી શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ 31 ઓક્ટોબરે નવરાત્રિના ગરબાની મજા માણી હતી. સભ્યોએ આ ધાર્મિક પ્રસંગને ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ઉજવ્યો અને મા શક્તિની આરાધના કરી હતી. શનિવાર - ચોથી નવેમ્બરે ગુજરાતી શાળાના દરેક વિદ્યાર્થીએ લક્ષ્મી પૂજામાં ભાગ લીધો હતો.
નવરાત્રી ઉત્સવમાં વડીલોએ માતાજી સ્થાપના સ્થળની સુંદર સજાવટ કરી હતી. સંસ્થાના ગાયકોએ ગરબામાં તાલ પૂર્યો હતો અને સૌએ આનંદ માણ્યો હતો. ગરબા બાદ દૂધપૌંઆનો પ્રસાદ પણ પીરસાયો હતો. સમગ્ર આયોજનના કન્વીનર લતાબહેન ગિરીશભાઈ અને ભારતીબહેન દિલીપભાઈ હતાં. રંગોળીની તાલીમ ચંપાબહેન છીતુભાઈએ આપી હતી. આ વિદ્યાર્થીઓએ સંસ્થામાં યોજાતી રંગોળી હરીફાઈમાં આનંદભેર ભાગ લીધો હતો. વિજેતાને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા, આ ટ્રોફી કામિની મિસ્ત્રીના સૌજન્યથી આપવામાં આવી હતી.
બાળકોને આપણા સંસ્કાર અને સંસ્કૃતિ વિશે પ્રોત્સાહિત કરવાના ઉમદા ઉદ્દેશ સાથે ગરબાનું એક વિશેષ સત્ર 22 ઓક્ટોબરે રાખવામાં આવ્યું હતું. જાનકી શાહે બાળકોને આરતીની થાળીની સજાવટ પણ કરાવી હતી. બાદમાં બાળકોએ માની આરતી ઉતારી પ્રસાદી પણ લીધી હતી.
માંધાતાના વડીલ અને માર્ગદર્શક ચંપાબહેન અને ચંદ્રકળાબહેનની ધગશથી સંસ્થામાં 1983થી દર વર્ષે અચૂકપણે રંગોળી હરીફાઈ યોજાય છે. ઉલ્લેખનીય છે કે કોવિડ મહામારીના કપરા કાળ દરમિયાન લોકડાઉન હતું ત્યારે ઝૂમના માધ્યમથી પર રંગોળી પૂરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આમ સંસ્થાના મોભીઓ દ્વારા ભારતીય પરંપરા-સંસ્કાર-સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે અવિરત જહેમત ઉઠાવાઇ રહી છે.