લંડનઃ ‘માતૃદેવ ભવ, પિતૃદેવો ભવ’ હિન્દુ સંસ્કૃતિ છે, તેને જીવી બતાવતાં મૂળ કચ્છ બળદિયાના અને છેલ્લા 50 વર્ષથી લંડનમાં વ્યવસાયી એવા કે. કે. જેસાણી, ધર્મપત્ની ધનુબેન જેસાણીએ પિતા ખીમજીભાઈ સામજી જેસાણી, માતા ધનબાઈ, ધનુબેનના પિતા માવજીભાઈ લાલજી રાઘવાણી, માતા તેજબાઈનો જન્મ શતાબ્દી પર્વ ઉજવ્યો હતો. જેમાં સ્વર્ગવાસી વડીલોના પૂત્ર-પૂત્રવધૂ, પૌત્ર-પૌત્રીઓ, દોહિત્ર-દોહિત્રીઓ, પરપૌત્રીઓ, પરદોહિત્રીઓ સહિત ચાર-ચાર પેઢીના સભ્યો જોડાયા હતા. અને જેમના જન્મના 100 વર્ષ ઉજવાયા તેનો સંઘર્ષ, પરિવારની માવજત, કાર્યોનું સ્મરણ કરાયું હતું અને પૂર્વજોનો આભાર મનાયો હતો. બિનનિવાસી ભારતીયોમાં માવતરના 100 વર્ષ ઉજવવાનો સંભવતઃ આ પ્રથમ પ્રસંગ હતો.
વિલ્સડન સ્વામિનારાયણ મંદિર ખાતે 24 સપ્ટેમ્બરે પોથીયાત્રા બાદ પુરુષોત્તમચરિત્ર ગ્રંથનું કથાવાચન થયું હતું. જેમાં ઘનશ્યામ જન્મોત્સવ, નરનારાયણ દેવ પૂજન, ઘનશ્યામ મહોત્સવ, રથયાત્રાનું ભવ્ય આકર્ષણ જગન્નાથપુરીના દૃશ્યો સર્જયાં હતા. ઘનશ્યામ મહારાજ આગમન મહોત્સવ, ભજનસંધ્યા, સ્થાનિક કલાકારો સાથે કચ્છથી આવેલા અલ્પેશ વેકરીયા, જયેશ જેસાણીએ અક્ષરેશ બેન્ડ સાથે ભજન-રાસકિર્તનની રસલ્હાણ પીરસી હતી. ભુજ, માંડવી, અંજાર મંદિરો, ગુરુકુળો, કન્યાશાળાને પહેરામણી દાનભેટ યજમાન પરિવાર દ્વારા અર્પણ કરાયા હતા.
સમગ્ર પ્રસંગ ભુજ સ્વામિનારાયણ મંદિરના વરિષ્ઠ સંત પુરાણી બાલકૃષ્ણદાસ સ્વામી, વિશ્વવલ્લભ સ્વામી, કૃષ્ણપ્રિયસ્વામી, જ્ઞાનપ્રકાશસ્વામી, મુક્તવલ્લભ સ્વામી, પ્રભુસ્વરૂપ સ્વામી, આનંદવલ્લભ સ્વામી, જનમંગલ સ્વામી, નૌતમપ્રકાશ દર્શન પ્રકાશ, ભક્તિવેદાંત સહિતના 26 પૂજનીય સંતો ઉપસ્થિત રહ્યા હતા.
ગવૈયા સંત શ્રીજીનંદન સ્વામીએ સંગીત પીરસ્યું હતું. કથાના સાત સત્ર દીઠ વક્તાઓ પૈકી નારાયણપ્રિય સ્વામી, સંત સ્વરૂપ સ્વામી કૃષ્ણવલ્લભ સ્વામી, મુરલીમનોહર સ્વામી રહ્યા હતા, જ્યારે વડિલ સંતોએ સત્રદીઠ આશીર્વાદ સહ શ્રીજી મહારાજના ચરિત્રો અને જીવનને માંગલ્ય પ્રદાન કરવા આચાર-વિહાર કેવા રાખવા તેવી ભલામણો કરી હતી. સમગ્ર મહોત્સવને ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, કચ્છી લેવા પટેલ જ્ઞાતિના મોભી ગોપાલભાઈ ગોરસીયા, ‘કચ્છમિત્ર’ અખબારના તંત્રી દીપક માંકડ સહિતનાએ ઓડિયો-વીડિયોના માધ્યમથી શુભેચ્છા આશીર્વાદ સાથે કે. કે. જેસાણીના સતકાર્યોને બિરદાવ્યા હતા. સમગ્ર મહોત્સવનું શબ્દસંકલન વિદ્વાન વકતા સંતશાસ્ત્રી દેવચરણદાસજી સ્વામી દ્વારા કરાયું હતું.
કે.કે. જેસાણી પરિવારના સેવાકાર્યો
કે.કે. જેસાણી પરિવાર દ્વારા શ્રેણીબદ્ધ સેવાપ્રવૃત્તિઓ હાથ ધરાઇ છે. જેના પર એક નજર ફેરવીએ તો, કચ્છમાં ભુજ મંદિરના સહયોગમાં આઠ મેગા મેડિકલ કેમ્પ યોજીને 40 હજાર દર્દીઓને રોગમુક્ત કરવાની સેવા કે.કે. જેસાણીએ કરાવી હતી તો સત્સંગમાં સેવા સાથે વિલ્સડન મંદિર બાજુમાં ઓલ્ડએજ હોમના નિર્માણમાં સેવા કરી સાથે દેખરેખ, પ્લાનિંગ પરમિશન અને નિર્માણનું કાર્ય સંભાળ્યું હતું.
ભુજ મંદિરના માધ્યમે લંડન સ્ટેનમોર વિસ્તારમાં મહાપ્રસાદ (ફાસ્ટફૂડ) પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં વિવિધ પ્રકારના ખાદ્ય પવિત્ર અને ધર્મનિયમ મુજબ તૈયાર કરીને તેનું વેચાણ થઈ રહ્યું છે. શ્રી સ્વામિનારાયણ મંદિર - ભુજ (એસએસએમબી) સંસ્થા યુકેમાં શરૂ કરાવી છે. જેના હેઠળ ઓલ્ડામ મંદિરનું સર્જન થઈ ચૂક્યું છે.
અનેક ગરીબ વિદ્યાર્થીને ભણવામાં મદદ કરતા કે.કે. જેસાણી દંપતી વતન કચ્છમાં કુદરતી આપતી વખતે મદદ કરે છે. આ ઉપરાંત નીરણ કેન્દ્રો, સરહદ ઉપર ગરીબોને મદદ પહોંચાડે છે. કોઈ વધુ પડતું બીમાર હોય તો હોસ્પિટલનો ખર્ચ ઉઠાવીને સારવાર કરાવે છે. યુવાનોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડે છે અને આમ સનાતન ધર્મસ્થાનોની મજબૂતી માટે પ્રયાસરત છે. આ તમામ સેવાની માહિતીને આવરી લેતી ડોક્યુમેન્ટરી મહોત્સવ દરમિયાન પ્રદર્શિત કરાઈ હતી.
મહોત્સવના સમાપન સત્રમાં શતાબ્દીની કેક કાપવા સાથે કે.કે. જેસાણી યુગાન્ડાથી લંડન આવ્યાના 50 વર્ષ, લગ્નજીવનના 50 વર્ષ અને ઉંમરના 70 વર્ષની પણ ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત મહેમાનોએ તેમને નિરોગી દીર્ઘાયુની શુભેચ્છા આપી હતી.
વિલ્સડન મંદિરના પ્રમુખ કુંવરજીભાઈ કેરાઈએ સમાન વકતવ્યમાં કે.કે. જેસાણીએ મંદિર માટે કરેલી નિષ્ઠાપૂર્વક કરેલી વિવિધ પ્રવૃત્તિઓ અને જહેમતની નોંધ લઈને પહેરામણી કરાવી હતી. આ પ્રસંગે કચ્છથી ખાસ આવેલા યુવા અગ્રણી વસંત પટેલે શ્રી જેસાણીના સમર્પિત જીવનની સ્મૃતિઓ કહી હતી. તો કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી-યુકેના અધ્યક્ષ માવજીભાઈ વેકરીયાએ શુભેચ્છા આપી હતી.
કે.કે. જેસાણી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના
પરિવાર પોતાની માતૃભૂમિ સાથે કાયમ જોડાઈ રહે તે માટે કે. કે. જેસાણી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના સંતોના સાનિધ્યે કરી હતી. આ ટ્રસ્ટ દ્વારા વિશ્વના વિવિધ દેશોમાં સેવા કાર્યો કરાશે, કચ્છ સત્સંગના -શીર્ષ સંત શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામીની સ્મૃતિમાં મહંતસ્વામી ધર્મનંદદાસજી સ્વામી અને ઉપમહંત પુરાણી ભગવદજીવનદાસજી સ્વામીના આશીર્વાદ સાથે આ ટ્રસ્ટની સ્થાપના ‘સર્વ જીવ હિતાય, સર્વ જીવ સુખાય’ માટે કરાઈ હતી. બાળઘનશ્યામ મહારાજની મૂર્તિ સાનિધ્યે દીપ પ્રાગટ્ય સાથે ટ્રસ્ટ ખૂલ્લું મુકાયું હતું.
મહોત્સવમાં અગ્રણીઓની ઉપસ્થિતિ
લંડન એસેમ્બલીના કૃપેશ હિરાણી, અગ્રીમ વ્યવસાયી સામજીભાઈ શીવજી દબાસીયા (જયસામ કોન્ટ્રાક્ટર), વાસ્ક્રોફ્ટના શશીકાંતભાઈ વેકરીયા, હેરો કેન્ટન મંદિર પ્રમુખ સુરેશભાઈ રાબડિયા (એમ.પી. બ્રધર્સ), કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી અધ્યક્ષ માવજીભાઈ વેકરીયા (કેન્ફોર્ડ), ઓલ્ધામ મંદિર પ્રમુખ હિતેશભાઈ ભૂડિયા, નાનદાસ સામજી વરસાણી (બુમ એન્ટરપ્રાઈસ), વુલીચ પ્રમુખ પરબતભાઈ, કાર્ડિફ ટ્રસ્ટી કરશનભાઈ વાઘાણી, એસએસએમબીના ભરતભાઈ પિંડોરિયા (સોલિસીટર), મહાપ્રસાદના હરીભાઈ હાલાઈ, પરિવારના કલ્યાણભાઈ વેકરીયા, જાદવજીભાઈ ગાજપરિયા વગેરેએ ઉપસ્થિત રહી શુભેચ્છા આપી હતી.