લંડનઃ વર્લ્ડ સ્પિરિચ્યુઆલિટી મહોત્સવ 2024 માર્ચ મહિનાઓમાં યોજાઈ રહ્યો છે ત્યારે 12 ફેબ્રુઆરી સોમવારે ઝૂમ બેઠકમાં ગ્લોબલ ગાઈડ ઓફ હાર્ટફૂલનેસ દાજી અને ડાયરેક્ટર ઓફ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર શ્રી રાજીવ કુમારે વિવિધ ધર્મો, આસ્થા, યોગ અને આધ્યાત્મિક સંસ્થાઓના 75થી વધુ મહાનુભાવોને સંબોધન કર્યું હતું. હાર્ટફૂલનેસના વૈશ્વિક વડા મથક કાન્હા શાંતિ વનમ ખાતે 14થી 17 માર્ચ દરમિયાન યોજાનારા મહોત્સવનું ઉદ્ઘાટન ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજીના હસ્તે કરાનાર છે.
દાજીએ મહોત્સવના પ્લાનિંગ અને આયોજન તબક્કાની પ્રથમ બેઠકમાં ભાગ લેવા વિવિધ ધર્મો અને આધ્યાત્મિક સંસ્થાઓના વડાઓને આમંત્રણ આપ્યું હતું. હિન્દુ, જૈન, બૌદ્ધ, ઈસ્લામ, સૂફી, શીખ, ક્રિશ્ચિયાનિટી સહિતના ધર્મો, બ્રહ્માકુમારીઝ સહિત અનેક આધ્યાત્મિક સંસ્થાઓ, યોગશાળાઓના પ્રતિનિધિઓ, ગુરુઓ, ફિલોસોફર્સ તેમજ ઘણા મહાનુભાવો બેઠકમાં હાજર રહ્યા હતા.
દાજીએ જાહેર કર્યું હતું કે, વિઝડમ સેશન્સ અને એક્સિપીરીઅન્સ ઝોન્સ સહિત ફેઈથ્સ-આસ્થાઓ વચ્ચે સંવાદ અને સમજને વધારવા વિવિધ ફીલોસોફી અને વિવિધ સંસ્થાઓના અનુભવોને દર્શાવતા 50થી વધુ સમાંતર સત્રો સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવનાર છે. વર્લ્ડ સ્પિરિચ્યુઆલિટી મહોત્સવમાં ચેતના ઉત્ક્રાંતિ, થીઓલોજિકલ કન્વર્જન્સ, સામાજિક સંવાદિતા અને સ્થાયી વિકાસ જેવાં વિષયો પર વિચારવિમર્શ કરાશે. આ ત્રણ દિવસના કાર્યક્રમમાં 300થી વધુ આધ્યાત્મિક, ધાર્મિક, ફેઈથ અને યોગસંસ્થાઓ અને 100થી વધુ દેશના 75,000 જિજ્ઞાસુઓ સક્રિયપણે ભાગ લેશે.
આધ્યાત્મિક વારસા માટે પ્રખ્યાત ભારત સદીઓથી ડહાપણની દીવાદાંડી હોવાં સાથે આધ્યાત્મિકતા અને ફીલોસોફીના વારસાને જાળવી રાખવા સાથે આ મહોત્સવ માટે આદર્શ યજમાન છે. આપણે આ યાત્રાનો આરંભ કરી રહ્યા છીએ ત્યારે દાજીએ 150 વર્ષ અગાઉ 1893માં વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રીલિજીઅન્સમાં સ્વામી વિવેકાનંદના શબ્દોની ભારપૂર્વક યાદ અપાવી હતી જ્યાં સ્વામીજીએ હિંસા અને ધર્મઝનૂનનો અંત લાવવા તમામ ધર્મો અને આસ્થાઓને એકસંપ થવા પ્રોત્સાહિત કર્યા હતા. દાજીએ ભાર મૂક્યો હતો કે માત્ર હિંસાની ગેરહાજરી એટલે જ શાંતિ નથી પરંતુ,સંવાદિતા, પ્રેમ, સહકાર અને આભારની લાગણી ઉભી કરવી તે શાંતિ છે. મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા જાહેર કરાયું હતું કે આ પ્રકારના મહોત્સવ માટે મનને શાંત કરતા વિશાળ હરિયાળા કેમ્પસ સાથેનું કાન્હા શાંતિ વનમ સંપૂર્ણ યોગ્ય સ્થળ છે.