પરમ પૂજ્ય મહંત સ્વામીના 91મા જન્મદિન પ્રસંગે મુંબઈમાં તેમજ વિશ્વભરમાં BAPS મંદિરો અને સેન્ટરોમાં ગુરુવાર 26 સપ્ટેમ્બર 2024ના રોજ ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અમે આવી આધ્યાત્મિક વિભૂતિ માટે અમારી હાર્દિક પ્રાર્થનાઓ ઓફર કરીએ છીએ.
વિઘાતક અસંવાદિતા અને અચોક્કસતાના આ યુગમાં હિન્દુત્વના પ્રાચીન શાસ્ત્રોમાં નિરુપાયેલું સમયાતીત જ્ઞાન અમૂલ્ય માર્ગદર્શન પુરું પાડે છે. આ પવિત્ર ઉપદેશો-જ્ઞાન આપણને આંતરિક શાંતિને પ્રાપ્ત કરવામાં અને એકતાના વિકાસમાં ગહન સમજ આપે છે. આમ છતાં, આ ઉપદેશોના સત્વને સાચી રીતે ગ્રહણ કરવા માટે આવા જ્ઞાનના જીવંત અવતારના દર્શન થકી પ્રકાશ પ્રાપ્ત કરી શકાય છે. આવા જ એક ઉદાહરણીય મહાનુભાવ આંતરરાષ્ટ્રીય હિન્દુ ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે.
ભારતના મધ્ય પ્રદેશ રાજ્યના જબલપુરમાં 1933માં જન્મેલા મહંત સ્વામી મહારાજની આધ્યાત્મિકતાની યાત્રાનો આરંભ ઊંડી વિનમ્રતા, અપાર અનુકંપા અને અવિરત સ્નેહ માટે સરાહના પામેલા આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય યોગીજી મહારાજ સાથે મુલાકાતથી થયો હતો. યુવાન મહંત સ્વામી યોગીજી મહારાજના ઉદાહરણીય ગુણોથી અભિભૂત થયા હતા અને આ મુલાકાત થકી તેમની પોતાની આધ્યાત્મિક યાત્રાનો માર્ગ ઉન્નત થયો હતો. આ રચનાત્મક અનુભવે આ મૂલ્યોને આત્મસાત કરવા અને પ્રસાર કરવાના આજીવન સમર્પણનો પાયો નાખ્યો હતો.
નિસ્ડન ટેમ્પલના સર્જક પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અક્ષરનિવાસ પછી 2016માં મહંત સ્વામી મહારાજ યુનાઈટેડ નેસન્સ સાથે સંકળાયેલી આંતરરાષ્ટ્રીય કોમ્યુનિટી આધારિત હિન્દુ ફેલોશિપBAPS સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના વર્તમાન ગુરુ અને પ્રમુખપદે નિયુક્ત થયા હતા. તેઓ માનવતાના વ્યાપક કલ્યાણની સેવા કરવા સાથે પ્રમુખ સ્વામી મહારાજના વારસાને આગળ વધારી રહ્યા છે અને તેઓ જે મૂલ્યોને અપનાવ્યા છે તેનું જીવંત પ્રતીક બની રહ્યા છે. તેમનું જીવન સંવાદિતા, વિનમ્રતા, અનુકંપા અને પ્રામાણિકતાના સિદ્ધાંતોનું પ્રત્યક્ષીકરણ છે.
મહંત સ્વામી મહારાજની આધ્યાત્મિકતા યાત્રામાં તાજેતરની સૌથી મહત્ત્વપૂર્ણ ઘટનાઓમાં એક આ વર્ષના પૂર્વાર્ધમાં અબુ ધાબી ખાતે BAPS હિન્દુ મંદિરને તેમના આશીર્વાદની રહી છે. આ ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક પ્રસંગે તેમણે પાઠવેલા ગહન સંદેશામાં જણાવ્યું હતું કે,‘જો આપણે સંવાદિતા સાથે એકરૂપ થઈશું તો પ્રેમ અને શાંતિ સર્વત્ર લહેરાશે; તે આપણા હૃદયોમાં લહેરાશે અને દરેકના હૃદયોમાં લહેરાશે.’ આ નિવેદન ઈન્ટરફેઈથ સંવાદની નિરંતરતા દર્શાવે છે જેની પ્રેરણા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પણ વર્ષ 2000માં યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં સંબોધન દરમિયાન આપી હતી.
મહંત સ્વામી મહારાજનો અભિગમ એ સિદ્ધાંતમાં ઊંડા મૂળ ધરાવે છે કે સાચી આધ્યાત્મિકતા માત્ર શાસ્ત્રોક્ત જ્ઞાન સંબંધિત નથી પરંતુ, જેની હિમાયત કરતા હોઈએ તે સિદ્ધાંતો સાથે જીવવામાં છે. જે લોકો પ્રાચીન જ્ઞાનને વ્યવહારુ, રોજબરોજના કાર્યોમાં રૂપાંતરિત કરવા ઈચ્છે છે તેમના માટે પૂજ્ય સ્વામીજીનું જીવન એક દીવાદાંડી સમાન છે. સમાવેશિતા અને પરસ્પર આદરના વાતાવરણને પોષણ આપી તેઓ વૈવિધ્યપૂર્ણ અને મહદ્ અંશે વિભાજિત વિશ્વમાં સંવાદિતા કેવી રીતે કેળવી શકાય તે દર્શાવે છે.
તેઓશ્રીનું નેતૃત્વ વિવિધ પશ્ચાદભૂ સાથેના લોકોમાં સંવાદિતા અને સમજણને પ્રોત્સાહિત કરવાની મૃદુ છતાં, મજબૂત પ્રતિબદ્ધતા થકી અંકિત થયેલું છે. મહંત સ્વામી મહારાજ તેમના અંગત વાર્તાલાપ-સંવાદ અથવા તેઓ જે સંસ્થાઓને સપોર્ટ કરતા હોય તેમની મારફત દીવાલોના નિર્માણના સ્થાને સેતુઓનાં નિર્માણના મહત્ત્વ પર સતત ભાર મૂકતા રહે છે. તેમનો આ અભિગમ જ્યાં વિભાજન અને સંઘર્ષ ઘણા સામાન્ય છે તેવાં વર્તમાન વૈશ્વિક ફલક સાથે સુસંગત બની રહે છે.
સુસંવાદિતાના સર્જનના ઘણી વખત નજરઅંદાજ કરાતું પાસું એ છે કે ઘરની અંદર જ વધુ પોષણક્ષમ વાતાવરણના સર્જનથી તેને પ્રાપ્ત કરી શકાય છે. પેઢીઓ વચ્ચે સંપર્કનો અભાવ, પરિવારના સભ્યો વચ્ચે વિવાદો, અથવા પરિવારની અંદર જ સંવેદનાત્મક અને આધ્યાત્મિક સંવાદિતાનો અભાવ હોય ત્યારે તેની વ્યાપક અસર જોવાં મળે છે. મહંત સ્વામી મહારાજે સૌ પહેલા પરિવારમાં જ સંવાદિતાને ઉત્તેજન આપવા ‘ઘર સભા’ (પરિવારના સભ્યો સાથે નિયમિત બેઠક)ના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
હિન્દુત્વના પ્રાચીન શાસ્ત્રોનું જ્ઞાન પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવન અને ઉપદેશો થકી જીવંત અને સંબંધિત પરિમાણ પ્રાપ્ત કરે છે. તેઓનું ઉદાહરણ શક્તિશાળી સ્મરણ કરાવે છે કે શાંતિ, સંવાદિતા અને આદરના સિદ્ધાંતો માત્ર નિરપેક્ષ આદર્શો નથી પરંતુ, વ્યવહારુ વાસ્તવિકતાઓ છે જેને ચેતનાપૂર્ણ પ્રયાસો અને અંગત સમર્પણ થકી હાંસલ કરી શકાય છે.
આપણે આધુનિક વિશ્વની જટિલતામાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામીનું જીવન આપણને માર્ગદર્શન, સંવર્ધન અને ઉત્થાન પૂરાં પાડે છે, પ્રત્યેક નાગરિકને તેમના પરિવાર, કોમ્યુનિટી અને રાષ્ટ્રના બહેતર સભ્ય બનવામાં મદદ કરે છે - આપણને દર્શાવે છે કે જો આપણે આ અનંત-સમયાતીત સિદ્ધાંતો સાથે જીવવાનું પસંદ કરીશું તો સુસંવાદી વિશ્વ માત્ર શક્ય જ નહિ, આપણી પહોંચની અંદર રહેશે.