રિયાધઃ મુસ્લિમ વર્લ્ડ લીગ દ્વારા સાઉદી અરેબિયાના રિયાધ ખાતે પ્રથમ ઐતિહાસિક આંતરધર્મ પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રતિનિધિ તરીકે સાધુ બ્રહ્મવિહારીદાસજીને આમંત્રિત કરાયા હતા. તેમના સંબોધન બાદ સૌ કોઈએ તાળીઓના ગડગડાટ સાથે તેમને વધાવી લીધા હતા. ત્યાં ઉપસ્થિત ભારતીયોએ જણાવ્યું હતું કે અમે સૌ સ્વામી વિવેકાનંદજીએ અમેરિકામાં ધર્મસંસદમાં પ્રવચન આપ્યું તે સમયે તો નહોતા, પરંતુ આ ક્ષણને ‘વિવેકાનંદ ક્ષણ’ (Vivekanand Moment) તરીકે અનુભવી છે.
જ્યારે મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલ, મહામહિમ શેખ ડો. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઈસા દ્વારા આ કાર્યક્રમની અધ્યક્ષતા કરાઇ હતી. તેમણે પણ પૂજ્ય સ્વામીજીના શબ્દોથી પ્રભાવિત થઈને જણાવ્યું હતું કે - ‘વાહ... વાહ... વાહ... અદ્ભુત પ્રવચન. વિચારોની વિશાળતા, શૈક્ષણિક ચોકસાઇ સાથે ભાવનાત્મક અને ખરેખર પ્રેરણાત્મક રજૂઆત છે.’
બીએપીએસ - સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય સાધુ બ્રહ્મવિહારીદાસજીએ ‘હ્યુમન ડિગ્નિટી – ડિવાઈન ઈક્વાલિટી બિટ્વીન ક્રિએશન્સ એન્ડ ધ ડેપ્થ ઓફ હ્યુમન કોમનાલિટી’ નામની પ્રથમ પેનલને સંબોધતા જણાવ્યું હતું કે - લોકો કહે છે કે પદ મહત્ત્વનું છે, લોકો કહે છે કે વિસ્તાર મહત્ત્વનો છે, પરંતુ એક મહત્ત્વની વાત એ કહેવી છે કે સ્થળ પણ મહત્ત્વનું છે. જો કોઈ એક રૂમમાંથી એક વ્યક્તિ ‘હેલો’ કહે તો બીજી વ્યક્તિને સંભળાય, પરંતુ જો ચંદ્ર ઉપરથી ‘હેલો’ કહેવામાં આવે તો સમગ્ર વિશ્વ સાંભળે છે. એ જ રીતે જ્યારે વિશ્વના આ સ્થળેથી એવું કહેવાય કે – ‘પ્રત્યેક ધર્મનું મહત્ત્વ છે’ ત્યારે આ વાત સમગ્ર વિશ્વ સાંભળશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, સંવાદિતા, સમન્વય અને પ્રત્યેક ધર્મનું આગવું મહત્ત્વ છે.
પ્રવચનને બિરદાવતા મુસ્લિમ અગ્રણીઓ
સાધુ બ્રહ્મવિહારીદાસજીના આ ઐતિહાસિક પ્રવચનની પ્રોફેસર આઝા કરમ સહિત મુસ્લિમ અગ્રણીઓ સહિત અનેક મહાનુભાવોએ પ્રશંસા કરી હતી. પ્રોફેસર કરમે યુએઈએમાં નિર્માણાધિન બીએપીએસ હિંદુ મંદિર અંગેની વિગતો મેળવીને સદભાવ અને સંવાદિતાના આ સ્થળે શક્ય તેટલી મદદ કરવાની તત્પરતા પણ દાખવી હતી.
વર્ષ 2000માં જ્યારે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની યુએન મુલાકાતનું આયોજન કર્યું હતું એવા આંતરધર્મ સંવાદિતાના વૈશ્વિક નેતા બાવા જૈને નોંધ્યું હતું કે - ‘આપણા સહિયારા મૂલ્યોની આટલી સ્પષ્ટ અભિવ્યક્તિ અને એવી રીતે કે જે આ મંચના ઐતિહાસિક સ્વભાવ અને સ્થળનું સન્માન કરે છે. આવું પ્રથમ વખત છે જ્યારે હિંદુ ધર્મના સાધુજનોને રાજ્યમાં આમંત્રણ આપવામાં આવ્યું અને ભવિષ્યની લાંબી અને એકીકૃત યાત્રા પર આ યોગ્ય પ્રથમ પગલું હતું.’ સમગ્ર કાર્યક્રમનું આયોજન મુસ્લિમ વર્લ્ડ લીગ દ્વારા સાઉદી અરબના નેતૃત્વના નિર્દેશો સાથે કરાયું અને દેશની રાજધાની રિયાધની રિટ્ઝ કાર્લટન ખાતે કરાયું હતું.