લંડનઃ સાઉથ એશિયન મ્યુઝિક અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડ્સ્ટ્રીમાં ઘેરઘેર જાણીતા સૌથી મોટા નામોમાં એક બાદશાહે વેમ્બલીના ઓવો એરીનામાં રજૂ કરેલા દિલધડક અને અવિસ્મરણીય મ્યુઝિક પરફોર્મન્સીસને યુનાઈટેડ કિંગ્ડમના સંગીતપ્રેમીઓએ ભરપૂર માણ્યા હતા. યુકે પ્રવાસના આરંભે જ ભારતીય રેપર બાદશાહે 15,000થી વધુ પ્રશંસકો સમક્ષ પંજાબી હિપ-હોપ, બોલીવૂડ અને પોપ મ્યુઝિકના અનોખા સંમિશ્રણ ઉપરાંત, શાયરીઓની રમઝટ બોલાવી હતી. ઓડિયન્સમાં વિવિધ રાષ્ટ્રીયતા તેમજ વિશેષ જરૂરિયાતો અને ડિસેબિલિટીઝ ધરાવતા મહેમાનોનો સમાવેશ થયો હતો જેમની સાથે બાદશાહે કાર્યક્રમ સમાપ્ત થયા પછી બેકસ્ટેજમાં મુલાકાત કરી હતી.
દર વર્ષે રેકોર્ડ્સના વેચાણના વિક્રમો તોડતા બાદશાહે તાજેતરમાં જ રીલીઝ થયેલા ‘ગોન ગર્લ અને જવાબ’ ઉપરાંત તેના જૂના યાદગાર કેટેલોગ્સના હિટ્સ જુગનુ, પાની પાની, ગરમી, ડીજે વાલે બાબુ, લેટ્સ નાચો, કાલા ચશ્મા, કર ગયી ચૂલ, ગેંદા ફૂલ, અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈ અને પાગલ સહિત પ્રભાવશાળી કમ્પોઝિન્સ રજૂ કર્યા હતા.
યુકેમાં 6 વર્ષના વિરામ પછી બાદશાહ બે શહેરના એકલ પ્રવાસે આવ્યા છે ત્યારે ઓડિયન્સમાં હાજર15,000થી વધુ પ્રશંસકો અને સંગીતપ્રેમીઓએ અનેક વખતે જોરદાર અવાજો સાથે ગાયકને વધાવી લીધો હતો. હાઈડ્રોલિક સ્ટેજની ઉપર બાદશાહ સ્ટેજની મધ્યમાંથી આવ્યો ત્યારે આશ્ચર્યમુગ્ધ ઓડિયન્સને છેવાડે ઉભેલા પ્રશંસકોને પણ અવર્ણનીય રીતે નજીક હોવાનો અહેસાસ થયો હતો. એરીનાની લાઈટ્સ મંદ થતી હતી ત્યારે કોન્સર્ટને માણનારા પ્રશંસકોએ એકસાથે તેમના મોબાઈલ્સની લાઈટ્સ લહેરાવીને પોતાના પસંદીદા કળાકારનું અભિવાદન અને સન્માન કર્યું હતું. આ દૃશ્ય ખરેખર હૃદયંગમ બની રહ્યું હતું.
સમગ્ર કાર્યક્રમમાં આદરની ભાવના સાથે સિધુ મૂસે વાલા ઈયરપ્લગ્સ લગાવેલા રાખનારા રેપર બાદશાહે જણાવ્યું હતું કે, ‘વીકએન્ડમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ યુકેમાં મારા ચાહકોને જોરશોરથી પ્રેમ. મારા માટે આ અવિસ્મરણીય અને આનંદદાયક અનુભવ રહ્યો છે અને તમારા દરેકની સાથે મ્યુઝિકને માણવા અને યાદગાર પળો બનાવવાનું મને ઘણું ગમ્યું છે. આ પ્રકારના શોને સફળ બનાવવામાં ઘણા પ્રયાસ કરવા પડે છે અને આ પ્રવાસને સફળ બનાવવામાં સંકળાયેલા તમામ હિસ્સેદારોનો હું આભાર માનું છું અને ફરી પરફોર્મ કરવા હું આતુર રહીશ!
ઈન્ડિયાકાસ્ટ યુકે લિમિટેડ (કલર્સ ટીવી યુકે)ના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ ગોવિંદ શાહીએ જણાવ્યું હતું કે,‘ ધ બાદશાહ લાઈવ ઈન યુકે’ કોન્સર્ટ્સમાં તાળીઓના ગડગડાટની સિમ્ફનીએ અમારા અતિ ઉત્સાહી ઓડિયન્સની સાથે જ નહિ પરંતુ, અમારા પ્રતિષ્ઠિત પાર્ટનર્સને પણ રોમાંચિત કરી દીધા છે! પગને થિરકાવતા દિલધડક બીટ્સ અને મનમોહક નૃત્યભંગિમાઓ થકી આ સફળતાનો ઉછાળો યુકેમાં અમારા ગ્રાહકો અને પાર્ટનર્સને અતુલનીય, મોજ કરાવનારા અનોખા સર્વોચ્ચ અનુભવો પૂરા પાડવાની અમારી પ્રતિબદ્ધતાનું સાતત્ય દર્શાવે છે.
ધ બાદશાહ લાઈવ ઈન યુકે ટુરનું નિર્માણ રોક ઓન મ્યુઝિક કલર્સ ટીવી, ઈમેજિન એક્સ ગ્લોબલ અને સનરાઈઝ રેડિયો દ્વારા કરવામાં આવ્યું છે.