નવનાત વડીલ મંડળ દ્વારા માદરે વતન ભારતના 75મા પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ગીતસંગીત સાથે યોજાયેલા આ કાર્યક્રમની લોકોએ મનભરીને મજા માણી હતી. વ્હેલી સવારથી, મન મોહી લ્યે તેવી ઠંડીમાં, સૂર્યનારાયણ પ્રકાશિત થયા હોવાથી વાતાવરણ મનમોહક હતું. સભ્યો અને મહેમાનો અનેરા ઉત્સાહથી થનગનતા હતા. સહુ આનંદવિભોર હતા કારણ કે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામમંદિરમાં પ્રભુ રામ પધાર્યા હતા અને દેશ-વિદેશમાં ભવ્ય ઉજવણી વર્ષોના ઇંતઝારનો અંત આવ્યો હતો. મહેમાનો મુખ્ય હોલમાં ગોઠવાયા તે સાથે જ કિચન કમિટીની બહેનોએ ભાવપૂર્વક પ્રાર્થના સાથે કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
સંસ્થાના ઉત્સાહી સેક્રેટરી નિતિનભાઈ સાવડિયાએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું તો પ્રોગ્રામના કોઓર્ડીનેટર શ્રી જગદીશભાઈ સાંઘાણી અને બંસરીબેન રૂપાણીએ સહુનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પ્રોગ્રામનો દોર પ્રસિદ્ધ ગાયિકા મરિનાબહેને સંભાળ્યો. બ્રિટન અને ભારતના રાષ્ટ્રગીતથી સભાહોલ ગાજી ઉઠ્યો હતો. સહુકોઇએ ઉભા થઈને બંને દેશના રાષ્ટ્રધ્વજોનું સન્માન કર્યું હતું. આ પછી મરિનાબહેન અને ભાઇ વ્રજે પ્રભુશ્રી રામનું સુંદર ભજન ‘બજાઓ ઢોલ સ્વાગત મેં, મેરે ઘર રામ આયે હૈ...’ રજૂ કરીને હોલમાં ઉપસ્થિત સહુ કોઇના દિલ જીતી લીધાં. ત્યારબાદ વિવિધ શૌર્યગીત રજૂ થયાં અને પ્રેક્ષકગણે હાથમાં તિરંગો લઇને ભારત માતાની જય બોલતાં બોલતાં સભાગૃહમાં માર્ચ પાસ્ટ કરતાં વાતાવરણમાં અનોખા જોશ અને ઉમંગનો સંચાર થયો હતો.
સહુ આમંત્રિતોએ સેવાભાવી કિચન કમિટીની બહેનોએ પ્રેમભાવથી બનાવેલ ટેસ્ટી લંચ આરોગ્યું હતું. આ પછી કાર્યક્રમનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો, અને મહેમાનોએ હોલમાં બેસીને બોલીવૂડ અને ગુજરાતી ગીતોની મજા માણી હતી. સંગીતના જબરદસ્ત શોખીન વડીલોએ મનભરીને કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. આમાં પણ ‘એક પ્યાર કા નગમા હૈ...’ ગીત રજૂ થયું ત્યારે સહુના હૃદય ભીંજાઈ ગયા હતા. તો ગરબાની રજૂઆત થઈ ત્યારે બહેનોએ જમાવટ કરી હતી.
સંસ્થાના ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ મહેતાએ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યવાહી કમિટીનો, કિચન કમિટીનો, વોલન્ટીયર ભાઈ-બહેનોનો, ડેકોરેશનમાં મદદ કરવા માટે હસ્મિતાબેન દોશીનો અને સંગીત ગ્રૂપનો ખાસ આભાર માન્યો હતો. નવનાત વડીલ મંડળના નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી નટુભાઈ મહેતા હોલીડે પર હોવાથી ભૂતપૂર્વ પ્રમુખ નલિનભાઈ ઉદાણીએ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. પ્રેક્ષકગણ કેસરવાળી ચા અને બિસ્કિટનો આસ્વાદ માણીને પ્રફુલ્લિત ચહેરે ઘેર જવા વિદાય થયા હતા.