અમદાવાદ:ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ત્રાપજ મુકામે આયોજિત શાનદાર સમારોહમાં પૂ. મોરારિબાપુના હસ્તે કવિ ત્રાપજકરના 11 પુસ્તકોનું વિમોચન થયું હતું. જૂની રંગભૂમિના સુપ્રસિદ્ધ નાટયકાર-ગીતકાર પરમાનંદ મણિશંકર ત્રાપજકરના અપ્રાપ્ય પુસ્તકોના સમગ્ર સાહિત્યનું ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશન થયું છે. સાથે સાથે જ વિષ્ણુરામ ત્રિવેદીના પુસ્તક ‘શિહોરની નોંધોમાં નાનાસાહેબ પેશ્વા’ અને રક્ષા શુક્લ આલેખિત પુસ્તક ‘માનસમર્મ’નું વિમોચન પણ થયું હતું. આ કાર્યક્રમમાં અકાદમી અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા અને ધારાસભ્ય કનુભાઈ બારૈયા અતિથિવિશેષ હતા.
આ પ્રસંગે જાણીતા શિક્ષણવિદ્ ડો. જયેન્દ્રસિંહ જાદવે ત્રાપજકરની રચનાઓનો આસ્વાદ કરાવ્યો હતો. જ્યરે મહેશભાઈ ગઢવી અને અન્ય કલાકારોએ કવિ ત્રાપજકરની રચનાઓનું ગાન કર્યું હતું. ‘ત્રાપજકરનું જીવનકવન’ ડોક્યુમેન્ટરી પણ દર્શાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ હરદ્વાર ગોસ્વામીએ કર્યું હતું. પોતાના જ ગામના કવિ ત્રાપજકરના પુત્ર શરદભાઈનું સમસ્ત ત્રાપજ ગામ દ્વારા સન્માન કરાયું હતું. આ ભવ્યાતિભવ વિમોચન સમારોહમાં અનેક સાહિત્યકારો સાથે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.