યુ.કે. સહિત દેશવિદેશમાં લોકોએ પિતૃવંદના કરતા કાર્યક્રમને નિહાળી આનંદ વ્યક્ત કર્યો

કોકિલા પટેલ Wednesday 17th February 2021 03:01 EST
 
 

રવિવાર (૧૪ ફેબ્રુઆરી)એ 'ગુજરાત સમાચાર' Asian Voice અને બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટી (GCS)ના સંયુક્ત ઉપક્રમે "સંસ્કારવાહિની" નેજા હેઠળ ઓનલાઇન Zoom ઉપર "પિતૃવંદના" કરતા સવિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૮૫૦થી વધુ શ્રોતાઓએ કાર્યક્રમને માણ્યો હતો. અમદાવાદથી માયા દીપક અને નિલેશ વ્યાસ ગૃપે પિતૃવંદના કરતા ગીતો રજૂ કર્યાં. બ્રાયટન GCSના ઇવેન્ટ સેક્રેટરી ધીરૂભાઇ ગઢવી અને એમની ટેકનીશ્યન ટીમના અનંતભાઇ સૂચક તથા મહેન્દ્રભાઇ ચૌહાણે બપોરે ૨.૦૦ વાગ્યે zoom કનેક્ટ કરતાંની સાથે જ ૮૦૦થી વધુ લોકો જોડાઇ ગયા હતા. ધીરૂભાઇએ તથા 'ગુજરાત સમાચાર'ના મેનેજીંગ એડિટર કોકિલા પટેલે સૌનું અભિવાદન કર્યા બાદ ભારતીય વિદ્યાભવનના ડિરેક્ટર ડો. નંદકુમારે પિતૃવંદનાના કાર્યક્રમનું આયોજન કરનાર તંત્રીશ્રી સી.બી. પટેલને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે માતા-પિતા થકી તમે આ દુનિયામાં દેહ લઇને જનમ્યા છો. એમની પ્રેરણા, માર્ગદર્શનથી તમારા ભાવિનું ઘડતર થાય છે, વ્યક્તિત્વ પામી શકો છો, એ જન્મદાતા મા-બાપનું ઋણ કોઇપણ પ્રશ્નાર્થ વગર ચૂકવવું જોઇએ. વેદમાં બહુ સરસ પ્રાર્થના છે, પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ. આપણા ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે એ મુજબ દરેક પિતા પોતાના સંતાનો માટે ઇચ્છે છે કે મારા સંતાનો મારા કરતામ પણ વધુ શિક્ષિત બને, જિંદગીમાં મેં જેટલાં પૂણ્ય કર્યાં એના કરતાં મારા સંતાન વધુ પૂણ્ય કમાય. મારાં સંતાન પ્રમાણિકતાથી કમાણી કરે અને વધુ ઉદાર બને. નંદાજીએ કહ્યું કે, વર્ષે એકવાર મૃત માતા-પિતાનું શ્રાધ્ધ કરવું, અન્નદાન કરવું, સેવાકાર્ય કરવાં, યજ્ઞ કરવો.”
તંત્રીશ્રી સી.બી. પટેલે ૧૯૮૩ની ૧૧મે'ની યાદ તાજી કરતાં કહ્યું કે, “ગુજરાત સમાચાર" કાર્યાલયમાં એ વખતના હોમ સેક્રેટરી વિલિયમ વ્હાઇટલો આવ્યા એ સમારોહમાં મનુભાઇ માધવાણી, શાંતુભાઇ રૂપારેલ, ખોડીદાસભાઇ તથા શાંતિભાઇ ધામેચાએ હાજરી આપી હતી. એ સમયે મારાં માતુશ્રી કમળાબહેને એમના ચહેરા પરનું તેજ અને એમની સાત્વિકતાને પામી લઇને મને ધામેચા ભાઇઓ સાથે ઘનિષ્ટ સંબંધ જાળવી રાખવાનું કહયું હતું. હું કોઇપણ જાતની અતિશયોક્તિ વગર કહી શકું કે લોહાણા સમાજ સખાવતોમાં ખૂબ ઉદાર છે, એમાંય કોઇ અતિશયોક્તિ કે પ્રચાર-પ્રસાર વગર સખાવતો કરનાર ખોડીદાસભાઇ ધામેચા એટલે મૂક સેવક, એક કર્મયોગી, સત્પુરુષ. ધામેચા પરિવારની ત્રીજી પેઢી એમના વડવાઓને આજેય ભૂલી નથી, પ્રદીપભાઇની વેમ્બલી ઓફિસમાં એમના દાદીમા લાડુમાની મૃદુસ્મિત વેરતી ભવ્ય તસવીર જિવા મળે છે.”
સી.બી. પટેલે સૌ શ્રોતાજનોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, “આપ સૌ લવાજમી ગ્રાહક બની ગુજરાત સમાચાર એશીયન વોઇસ વાંચો છો, શુભેચ્છક બની જાહેરાતો આપો છો એ બદલ સૌનો આભાર.
ધામેચા ગૃપના ડિરેકટર અને ખોડીદાસભાઇના દીકરા પ્રદીપભાઇએ જણાવ્યું કે, આજનો દિવસ અમારા માટે ખૂબ અગત્યનો દિવસ છે, આજે મારા પરમ વંદનીય પિતાશ્રીની પ્રથમ પૂણ્યતિથી છે. ગયા વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ જામનગરમાં સૌ પરિવારજનોની હાજરીમાં પિતાજીએ શ્રીજીનું શરણ લઇ લીધું હતું. મારા કાકા શાંતિભાઇ, જયંતિકાકા, મારાં બેઉ કાકીજી કુમુદકાકી, પ્રભાકાકી ખૂબ જ માયાળુ છે, અમારા સૌ કુટુંબીજનો વચ્ચે પ્રેમ અને સંપ છે. જ્યાં સંપ અને સત્સંગ હોય ત્યાં સુખ-શાંતિ પ્રવર્તે છે. ડો. નંદાજીએ કહ્યું એમ સારા નાગરિક સાથે જીવનમાં ધર્મ અને ભક્તિ ખૂબ જરૂર છે. ધરમ મારા જમાઇ છે એટલે સ્વાભાવિક છે મને ધરમ ઉપર મને ખૂબ પ્રેમ હોય જ. ધર્મ-ભક્તિ મારા માટે ખૂબ મહત્વના છે. મારા પિતાએ ખૂબ બલિદાન આપ્યું છે, મારા પૂજ્ય દાદાજીનું યુવાન વયે ૧૯૩૫માં અવસાન થતાં મારાં લાડુમા, જીવીમાના બલિદાન થકી અમે સૌ ખૂબ સુખી છીએ. આપણા પિતૃઓએ આપેલા બલિદાન, ત્યાગને યાદ કરીને જીવનમાં આગળ વધતા રહીએ એ જ સાચું પિતૃતર્પણ કહી શકાય.”
જામનગર આણંદાબાવા આશ્રમના સેવાભાવી સંત દેવીપ્રસાદબાપુએ કહ્યું કે, “ગુજરાત સમાચાર"ના તંત્રીશ્રી સી.બીએ પિતૃવંદનાનો આ કાર્યક્રમ કર્યો એ બદલ તેઓને ધન્યવાદ. આવી રીતે સી.બી.પટેલે માતૃવંદના કરતો કાર્યક્રમ કરવો જોઇએ. સનાતન ધર્મના ૨૪ અવતારો એમાં બે મુખ્ય અવતાર ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણ. આ બન્ને અવતારોમાં મા-બાપની ભૂમિકા અદભૂત છે.જેની પાસે મા-બાપ છે એની પાસે બધું જ છે, મા-બાપ એ જીવતું જાગતું તીર્થ છે. ઘરમાં રહેતાં મા-બાપ સંતુષ્ટ ના થાય એના ખાતામાં પૂણ્ય મળતું જ નથી. મારા આત્મીય કેતનભાઇ અને દિપ્તીબેનના સમસ્ત પરિવાર થકી હું ખોડીદાસભાઇના સંપર્કમાં આવ્યો. ખોડીદાસભાઇ એક વિવેકશીલ પુરુષ, નમ્રતા અને ઉદારતા એમના સવિશેષ ગુણ. હસવું સહેલું, હસાવવું એથી સહેલું પણ હસી કાઢવું અઘરૂ છે. આવા લક્ષણા હતા ખોડીદાસભાઇ.”
એનફિલ્ડથી મહાકવિ ન્હાનાલાલ દવેનાં દોહિત્રી અને યુગાન્ડાનાં લોકપ્રિય શિક્ષિકા ૯૬ વર્ષનાં આદરણીય કાન્તાબહેન પ્રભાકાન્તભાઇ પટેલે પણ ખૂબ સરસ રીતે પિતૃવંદના કરી પિતૃતર્પણ કર્યું હતું. પિતૃવંદનાનો આ કાર્યક્રમ યુ.કે. સહિત કેનેડા, અમેરિકા, આફ્રિકા અને ભારતમાં ઘણા લોકોએ નિહાળ્યો હતો. માયા દીપક અને નિલેશભાઇ વ્યાસે પિતૃવંદનામાં ભક્તિ ગીતો દ્વારા ભાવાંજલિ આપ્યા બાદ "વેલેન્ટાઇન ડે" નિમિત્તે કેટલાક યાદગાર ફિલ્મીગીતો પણ રજૂ કર્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter