યુએઇનું પ્રથમ હિન્દુ મંદિર ફેબ્રુઆરી ૨૦૨૪માં ખુલ્લું મુકાશે

Saturday 04th June 2022 06:58 EDT
 
 

અબુ ધાબી: યુએઇ ખાતેના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરને ફેબ્રુઆરી ૨૦૨૪ જાહેર જનતા માટે ખુલ્લું મૂકાશે, એમ યુએઇ ખાતેના ભારતીય રાજદૂત સંજય સુધીરે જણાવ્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે કોરોના મહામારીના પડકારો હોવા છતાં બીએપીએસ હિન્દુ મંદિરનું નિર્માણકાર્ય બે વર્ષ કરતાં ઓછા સમયમાં પૂર્ણ થશે. આ મંદિરના બીજા માળનો શિલાન્યાસ કરવાની ધાર્મિક વિધિ મહાપીઠ પૂજન વિધિ દરમિયાન ભારતીય રાજદૂતે જણાવ્યું હતું કે આ મંદિર લોકોના પ્રેમ અને સામુહિક આકાંક્ષાની ગાથા છે. તે વિવિધ સમુદાય વચ્ચે સંવાદિતતાની ગાથા છે. આ મંદિર ફેબ્રુઆરી 2024માં ખુલ્લુ મૂકવામાં આવશે.
દુબઈ-અબુ ધાબી હાઇવે પરના અબુ મુરેખાહ ખાતેના આ નિર્માણાધિન મંદિર ખાતે તેમણે જણાવ્યું હતું કે આ ઐતિહાસિક દિવસ છે. રાજવી પરિવાર, પ્રેસિડેન્ટ શેખ મોહંમદ બિન ઝાયેદ અલ નાહ્યાન, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સદભાવનાને કારણે આ ભવ્ય કાર્ય થયું છે. આ મંદિર આશા સાથે અહીંની મુલાકાત લેનારા તમામ શ્રધ્ધાળુઓ માટે છે.
ગયા શુક્રવારે સવારે મહાપીઠ પૂજન વિધિમાં બીએપીએસ હિન્દુ મંદિરના પરમ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીની આગેવાની હેઠળ સેંકડો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. આ મંદિર ઓછામાં ઓછા 1000 વર્ષ સુધી અડિખમ રહેવાની ધારણા છે.
પોતાના સંબોધનમાં પૂજ્ય સ્વામીએ જણાવ્યું હતું કે કેટલાંક કારણોસર આજે ઐતિહાસિક દિવસ છે. આજે (27 મે)એ પરમ પૂજ્ય યોગીજી મહારાજની 130મી જન્મજયંતી છે. અહીં (બીજા માળ)થી શિખરોનું નિર્માણકાર્ય ચાલુ થશે. અહીં એકઠા થયેલા લોકો એવા અજોડ વ્યક્તિઓ છે કે જેમને વિશ્વના એક મહત્ત્વના પથદર્શક હિન્દુ મંદિરના શિખરનો સ્પર્શ કર્યો છે.
3000 કારીગર દ્વારા નિર્માણકાર્ય
પૂજ્ય સ્વામીએ જણાવ્યું હતું કે 10 સાધુઓની દેખરેખ હેઠળ 3000 કારીગરોએ આ મંદિરનું નિર્માણ કર્યું છે. દર રવિવારે અહીં હજારો ભક્તો ઇંટ મૂકવામાં માટે આવે છે. તે દરેકના પ્રેમ, પ્રયાસો, પ્રેરણા અને પરસેવાનું સુંદર પરિણામ છે.
આ ભવ્ય મંદિર માટે શેખ મોહમદે જમીન દાનમાં આપી હતી. એપ્રિલ ૨૦૧૯માં આ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અને ડિસેમ્બરમાં નિર્માણ કાર્ય ચાલુ થયું હતું.
મંદિર નિર્માણ માટે ભારતથી પિન્ક સ્ટોન
બીએપીએસ હિન્દુ મંદિરના નિર્માણ માટે ભારતથી પિન્ક સ્ટોન લાવવામાં આવ્યા હતા. મંદિરનું નિર્માણ પ્રાચીન હિન્દુ શિલ્પશાસ્ત્ર મુજબ કરવામાં આવ્યું છે. મંદિર ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાની ઝાંખી કરાવે છે. મંદિર સંકુલમાં વિઝિટર સેન્ટર, પ્રાર્થનાખંડ. લાઇબ્રેરી, ક્લાસરૂમ, કમ્યુનિટી સેન્ટર, એમ્ફી થિયેટર, ક્રિડાંગણ, ગાર્ડન, બુક્સ એન્ડ ગિફ્ટ શોપ, ફૂડ કોર્ટ અને બીજી અનેક સુવિધાઓ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter