અબુ ધાબી: મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમ દેશની ધરતી પર ઇતિહાસ રચાયો છે. સનાતન હિન્દુ ધર્મની આધ્યાત્મિકતા, સ્થાપત્ય અને વૈશ્વિક સંવાદિતાના અભૂતપૂર્વ પ્રતીક સમાન બીએપીએસ હિન્દુ મંદિરનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ મંદિર આધ્યાત્મિક્તા અને વૈશ્વિક સંવાદિતાનું પ્રતીક બની રહેશે. પશ્ચિમ એશિયાના સૌથી મોટા અને ભવ્યાતિભવ્ય શીખરબદ્ધ મંદિરનું 14 ફેબ્રુઆરી - વસંતપંચમી પર્વે પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લુ મૂકાયું હતું.
યુએઇની ઓળખમાં વધુ એક
સાંસ્કૃતિક પ્રકરણ ઉમેરાયું
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી બુર્જ ખલિફા, ફ્યુચર મ્યુઝિયમ, શેખ ઝાયેદ મોસ્ક અને અન્ય હાઇટેક બિલ્ડિંગો માટે જાણીતાં યુએઇએ હવે તેની આગવી ઓળખમાં વધુ એક સાંસ્કૃતિક પ્રકરણ ઉમેર્યું છે. મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં મોટી સંખ્યામાં ભક્તો આવશે. સાથે સાથે જ દુબઈ અને અબુ ધાબીના પ્રવાસે આવતા દુનિયાભરના લોકો પણ ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસત સમાન મંદિરની મુલાકાતે આવશે. આનાથી લોકોના સંપર્કમાં પણ વધારો થશે.
હું ભારત માતાનો પૂજારી, 140 કરોડ
લોકો મારા આરાધ્ય દેવઃ વડાપ્રધાન
હું ભારત માતાનો પૂજારી છું અને 140 કરોડ લોકો મારા આરાધ્ય દેવ છે એમ કહીને વડાપ્રધાને મોદીએ કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર અને અબુ ધાબીનું આ બીએપીએસ હિન્દુ મંદિર આસ્થા અને સંસ્કૃતિનાં પ્રતીક સમાન તો છે જ, પરંતુ અયોધ્યામાં રામલલ્લા સદીઓ બાદ પુનઃ મંદિરમાં બિરાજમાન થયા અને હિન્દુ સમાજનું એક સ્વપ્ન સાકાર થયું તેમ આજે શાસ્ત્રીજી મહારાજની જન્મજયંતી અને વસંતપંચમીના રોજ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું અબુ ધાબીમાં મંદિર નિર્માણનું સ્વપ્ન મહંતસ્વામીના નેતૃત્વમાં સાકાર થયું છે એ વાત અત્યંત સુખદ જણાય છે. વસંત પંચમી એટલે કે જ્ઞાનપંચમીના રોજ બુદ્ધિ, વિવેક, પ્રજ્ઞા, ચેતનાના આ દિવસે માનવીય સહયોગ, સમન્વય અને સાંપ્રદાયિક સૌહાર્દનો માહોલ જોવા મળે છે અને એટલે જ આજે અબુ ધાબી ધાર્મિક સહિષ્ણુતા અને સંવાદિતાનું એપી સેન્ટર બની ગયું છે. મોદીએ વૈદિક પરંપરાની બારીકાઈ અને હિન્દુ પ્રણાલિઓ જાળવવાની સાથોસાથ આધુનિકતા સાથે કદમ મિલાવવા બદલ બીએપીએસ સંસ્થાનાં ભારોભાર વખાણ કર્યાં હતાં.
મારા ભાઇ શેખ મોહમ્મદ નાહ્યાાને
ભારતીયોના દિલ જીતી લીધાં
અબુ ધાબીના આ પ્રથમ હિન્દુ મંદિરને માનવતાના સહિયારા વારસાનું પ્રતીક ગણાવતા વડાપ્રધાને જણાવ્યું કે, મને વિશ્વાસ છે કે બીએપીએસ મંદિર સમગ્ર વિશ્વ માટે કોમી સંવાદિતા અને વૈશ્વિક એકતાનું પ્રતીક બનશે. તેમણે માનવ ઇતિહાસમાં નવું પ્રકરણ આલેખવા બદલ અને અબુધાબીમાં આ ભવ્ય મંદિરનું સ્વપ્ન સાકાર કરવા બદલ યુએઇના પ્રમુખ શેખ મોહમ્મદ ઝાયેદ અલ નાહ્યાનનો આભાર માનતા જણાવ્યું હતું કે, શેખ નાહ્યાને યુએઇમાં રહેતા ભારતીયોનાં જ નહીં પણ 140 કરોડ ભારતીયોનાં હૃદય જીતી લીધાં છે. કરોડો ભારતીયો વતી હું રાષ્ટ્રપતિ અને યુએઇ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.
યુએઇ પ્રમુખની ઉદારતાની ભરપૂર પ્રશંસા કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભવ્ય મંદિર નિર્માણનાં સ્વપ્નને સાકાર કરવામાં જો કોઇની સૌથી મોટી અને સૌથી મહત્ત્વની ભૂમિકા હોય તો તે બીજા કોઇની નહીં પણ મારા ભાઇ શેખ મોહમ્મદ બિન ઝાયેદની છે. હું આશા રાખું છું કે મંદિર પણ માનવતાના સારા ભવિષ્ય માટે વસંતનું સ્વાગત કરશે. આ મંદિર સમગ્ર વિશ્વ માટે સાંપ્રદાયિક સૌહાર્દ અને વૈશ્વિક એકતાનું ઉદાહરણ બની રહેશે.
જ્યાં મન સ્થિર થાય, શાંતિ મળે ને શુભ સ્પંદનોની
અનુભૂતિ થાય તે મંદિરઃ ઇશ્વરચરણ સ્વામી
બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂ. ઈશ્વરચરણ સ્વામીએ જણાવ્યું હતું કે ‘અમે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ખૂબ આભાર માનીએ છીએ. મંદિરનો અર્થ એ જ છે કે જ્યાં મન સ્થિર થાય અને શાંતિ મળે, તથા શુભ સ્પંદનોની અનુભૂતિ થાય. અહીં સત્સંગ, ભક્તિ થશે, રામનવમી, જન્માષ્ટમી, શિવરાત્રિ વગેરે ઉત્સવો ખૂબ ભવ્યતાથી ઉજવાશે, સૌને આ મંદિરનો લાભ લેવા આમંત્રણ છે.’
વડાપ્રધાન આધુનિક ભારતનાં
સ્વપ્નદ્રષ્ટાઃ બ્રહ્મવિહારી સ્વામી
અબુ ધાબી મંદિરના નિર્માણકાર્યના મુખ્ય સૂત્રધાર પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સ્વપ્નદૃષ્ટા છે. તેમનું જીવન અને તેમનો કરિશ્મા અદભુત છે. ચંદ્રયાન પણ એક સમયે સ્વપ્ન હતું. મંગળયાન પણ સ્વપ્ન હતું તેમ આ મંદિર પણ એક સમયે સ્વપ્નસમાન ભાસતું હતું. આ મંદિર સંવાદિતાનું કેન્દ્રબિંદુ છે. અહીંના શાસકોની ઉદારતા, આપણા વડાપ્રધાનની સચ્ચાઈ અને મહંત સ્વામી મહારાજની પવિત્રતા આ મંદિરની પાછળ કારણભૂત છે.’
મંદિર માનવતાના સારા ભવિષ્યની
વસંતનું સ્વાગત કરશેઃ નાહ્યાન બિન મુબારક
યુનાઇટેડ આરબ અમિરાતના ટોલરન્સ મંત્રી નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક મહાન મિત્ર તરીકે આમંત્રિત કરતાં હું આનંદ અનુભવું છું. ભારત અને યુએઈના દેશો વચ્ચે મજબૂત મૈત્રીનો મને આનંદ છે. આ મંદિર માટે જયારે તમે અમને મળ્યા ત્યારે અમને તમારા પર વિશ્વાસ આવ્યો કે તમે ભવિષ્યમાં સદભાવના, શાંતિની દિશામાં યુએઈને સમૃદ્ધ કરશો. મહંત સ્વામી મહારાજ વૈશ્વિક આધ્યાત્મિક નેતા છે. આપ સૌનો ખૂબ આભાર છે કે આપે મને આ કાર્યક્રમમાં નિમંત્રિત કર્યો.
તેમણે વધુમાં કહ્યું હતું કે મને આશા છે કે આ હિન્દુ મંદિર આજે અને ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરશે. યુએઈના રાષ્ટ્રપતિ શેખ નાહ્યાન તરફથી સૌને ખૂબ શુભેચ્છાઓ છે. યુએઈમાં અનેકવિધ દેશોના લોકો શાંતિ અને ભાઈચારાથી રહે છે. આ મંદિરને અહીં સાકાર કરવા બદલ તમારા સૌનો ફરી એક વાર આભાર માનું છું.