અમદાવાદ: યુએઈના અબુધાબીમાં બની રહેલાં પહેલા હિન્દુ મંદિરનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલાં જ અહીં મંદિરના સાત શિખરમાંથી પ્રત્યેક શિખર પર શાસ્ત્રોક્ત વિધિ મુજબ અમૃત કળશનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ મંદિરનું નિર્માણકાર્ય 2018માં શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્મવિહારી સ્વામી, સંતો સહિત હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આ કળશની વિશેષતા અને તેના મહાત્મ્ય અંગે વિવેકજીવન સ્વામીએ કહ્યું હતું કે 11 નવેમ્બરે ગોંડલસ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં સંસ્થાના વડા મહંત સ્વામી દ્વારા સુવર્ણ જડિત 7 અમૃત કળશ અને 9 ધ્વજ દંડની પૂજા કરવામાં આવી હતી. આ તમામ કળશ ઉચ્ચ કોટીના પિત્તળમાંથી તૈયાર કરવામાં આવ્યા છે અને તેની પર સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે આ કળશના મુખમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વસતા હોય છે. મંદિર માટે એવું કહેવાય છે, કે જયારે મંદિરના શિખર (આમલખ) પર કળશ સ્થાપિત થાય ત્યારે મંદિરનું કાર્ય પૂર્ણ ગણાય છે. 18 ફેબ્રુઆરીએ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. આ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન બીએપીએસના સંતો, હરિભક્તોની સાથે યુએઈના સત્તાધીશો પણ હાજર રહેશે.
મુખ્ય કળશ 22 ફૂટ ઊંચો
મંદિર પર કળશ એક રીતે એન્ટેના જેવું છે જે ડિવાઇન એનર્જીને પકડે છે અને શિખર દ્વારા ગર્ભગૃહમાં વહન કરે છે. યુએઈ સાત રાજ્યથી બન્યું છે એટલે તેના પ્રતીકરૂપે મંદિરમાં સાત શિખર કરવામાં આવ્યા છે. દરેક શિખરમાં આપણાં સનાતન ધર્મના દેવને પધરાવવામાં આવ્યા છે. હાલ આ કળશ ઢાંકી દેવામાં આવશે. મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા વેળા કળશ ખોલવામાં આવશે. અબુધાબીમાં બીએપીએસ મંદિરમાં કુલ નાના-મોટા 20 કળશ સ્થાપિત કરાયા છે. મંદિરમાં મુખ્ય કળશ 22 ફૂટ ઊંચો છે. મંદિરમાં 9 ધ્વજ દંડ છે જેમાં મુખ્ય ધ્વજ દંડ પર સોનાનો ઢોળ ચડાવ્યો છે.