અબુ ધાબીઃ યુએઈના આરસના પ્રથમ હિન્દુ મંદિરને જાહેર પ્રજા માટે ખુલ્લુ મૂકાયા પછીના પ્રથમ રવિવાર, 3 માર્ચે આશરે 65,000 મુલાકાતી ભક્તો ઉમટી પડ્યા હતા. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે BAPS હિન્દુ મંદિરમાં દર્શન કરવા રવિવારની સવારે 40,000 અને સાંજે 25,000 મુલાકાતીઓ આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવવા છતાં કોઈને ભીડ નડી ન હતી. એક મુલાકાતી સુમંત રાયે ક્રાઉડ મેનેજમેન્ટની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ‘આટલા હજારો લોકોની હાજરીમાં વ્યવસ્થા જળવાઈ હોવાનું મેં કદી નિહાળ્યું ન હતું. મને ચિંતા હતી કે મારે કલાકો સુધી રાહ જોવી પડશે અને શાંતિપૂર્વક દર્શન કરવા મળશે નહિ. પરંતુ, અમને સુંદર દર્શન થયા ને સંતોષ મળ્યો છે.’
મેક્સિકોના લુઈસે મંદિરના સ્થાપત્ય-આર્કિટેક્ચર વિશે પ્રશંસા કરતા કહ્યું હતું કે,‘ સ્થાપત્ય અને આરસમાં અતિ બારીક કોતરણી અભૂતપૂર્વ છે. મને ભારતની સાંસ્કૃતિક વિરાસત જોવા મળી તેનો હું ખરેખર આનંદ અનુભવું છું. લોકો, અહીં આવો, અમારી સાથે જોડાઈ જાવ.’
મંદિરના રાજદ્વારી મહત્ત્વનો નિર્દેશ કરતા યુએસસ્થિત પિયુષે જણાવ્યું હતું કે,‘આ મંદિરનું ઉદ્ઘાટન વૈવિધ્યતા અને સમાવેશિતાની યુએઈની પ્રતિબદ્ધતાનો મજબૂત પુરાવો છે. આ વિવિધ સમુદાયો વચ્ચે સંપની સુંદર પ્રસ્તુતિ છે.’ યુએઈ સરકારે વીકએન્ડની મંદિર મુલાકાતોને યાદગાર બનાવવા અબુ ધાબીથી મંદિર સુધી નવા બસ રૂટ (203)ની શરૂઆત કરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઈના ટોલરન્સ એન્ડ કો-એક્ઝિસ્ટન્સ મિનિસ્ટર શેખ નાહાયાન મુબારક અલ નાહ્યાનની હાજરીમાં 14 ફેબ્રુઆરીએ અબુ ધાબીસ્થિત BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું.
મંદિરમાં ટાઇટ કપડાં પર રોક
યુએઇનું પહેલું હિન્દુ મંદિર હવે સામાન્ય જનતા માટે ખુલ્લુ મુકાયું છે ત્યારે મંદિરમાં ડ્રેસકોડને લઇને વેબસાઇટ પર સૂચના અપાઈ છે. તે અનુસાર મુલાકાતીઓએ ગરદન, કોણી અને ઘૂંટણ સુધી શરીર ઢાંકવું જરૂરી છે. વાંધાજનક ડિઝાઈનવાળી ટોપી, ટીશર્ટ તેમજ અન્ય ટાઇટ કપડાં પહેરીને આવવાની અનુમતિ નથી. પારદર્શક અને ટાઇટ-ફિટિંગ કપડાં પર પણ પ્રતિબંધ છે. લોકોનું ધ્યાન ભટકે એવા કપડાં અને સામાનનો ઉપયોગ પણ ટાળવાનું કહેવાયું છે. ઉલ્લેખનીય છે કે મંદિરમાં ભારત-યુએઇની સંસ્કૃતિનો સમન્વય કરાયો છે.