કેરા (તા. ભુજ)ઃ બ્રિટનમાં વસતા 30થી 35 હજાર કચ્છી લેવા પટેલ જ્ઞાતિના સમાજની આગામી ત્રણ વર્ષ માટે નવી ટીમની વરણી કરાઇ છે. તાજેતરમાં નોર્થ હોલ્ટ ખાતે મળેલી સાધારણ સભામાં પ્રમુખ તરીકે બળદિયાના માવજી ધનજી વેકરિયા (કેન્ફોર્ડ)ને એક ટર્મના વિરામ બાદ પુન: નિયુક્ત કરાયા છે. સૌને સાથે લઇ ઇન્ડિયા ગાર્ડન પ્રોજેક્ટ સાકાર કરવાનો સંકલ્પ દોહરાવાયો હતો.
અંદાજે 200 કરોડ રૂપિયાના ખર્ચે ઇન્ડિયા ગાર્ડનના નિર્માણ સંકલ્પ સાથે રચાયેલી નવી ટીમમાં યુવક-યુવતીઓને મોટી સંખ્યામાં સ્થાન અપાયું છે. અગાઉ છ વર્ષ પ્રમુખપદે સેવા કરી ચૂકેલા મૂળ બળદિયાના માવજીભાઇ ધનજી વેકરિયા (કેન્ફોર્ડ)ને સમાજે ફરી નવા પ્રોજેક્ટની ધુરા સોંપતાં પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તો જાણીતા કચ્છી કોન્ટ્રાક્ટર અને કે. કે. પટેલ હોસ્પિટલના અગ્રણી દાનવીર શામજીભાઇ શિવજી દબાસિયા (જેસામ કોન્ટ્રાક્ટર્સ)ને ટ્રસ્ટીની ભૂમિકામાં મોટા પ્રોજેક્ટને પૂર્ણ કરવા નિયુક્ત કરાયા છે.
આ સાથે અગ્રણી વ્યવસાયિક નરશીભાઇ ભોજા (સુખપર-રોહા), જિતેન્દ્ર જાદવા હાલાઇ (માધાપર), પ્રકાશ દેવરાજ હાલારિયા (કેરા), વિનોદભાઇ ખીમજી ગાજપરિયા (બળદિયા) જેવા બિઝનેસમેન અને દૂરંદેશી મહેનતુ ચહેરાને સ્થાન અપાયું છે. તે સાથે રાજેશ ગોવિંદ જીવાણી (બળદિયા), જયેશ હીરજી હીરાણી (સુખપર) ટ્રસ્ટી તરીકે સ્થાન પામ્યા છે. પેટ્રન તરીકે જાણીતા કચ્છી દાનવીર શશિકાંતભાઇ કરશનદાસ વેકરિયા (માધાપર) તથા કોમ્યુનિટીના ઉપપ્રમુખ તરીકે વર્ષો પહેલાં પ્રમુખ રહી સેવા કરનાર વડીલ પ્રેમજી હરજી વરસાણી (સામત્રા), જનરલ સેક્રેટરી તરીકે યુવા સાહસી રવિ ધનજી વરસાણી (કોડકી), મંત્રી મીરા વરસાણી (માધાપર), ખજાનચી અરવિન આસાણી (માંડવી) ઉપરાંત ચંદ્રકાન્ત રવજી વરસાણી અને લાલજી સામજી હાલાઇ (દહીંસરા) મુખ્ય સમિતિમાં ચૂંટાયા છે. સલાહકાર તરીકે આઠ સભ્યો છે.
દરેક ક્ષેત્રે સંગઠન, યુવા જોડાણ અને ઇન્ડિયા ગાર્ડન પ્રોજેક્ટને સાકાર કરવાના વિઝન સાથે નવનિર્વાચિત પ્રમુખ માવજી વેકરિયાએ કહ્યું કે, ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી આદિ સંતો, વિશ્વભરમાં સામાજિક, સેવાકીય કાર્યોમાં શિરમોર હસમુખભાઇ ભુડિયા અને ભુજ સમાજની વર્તમાન ટીમ વેલજીભાઇ પિંડોરિયા, ગોપાલભાઇ ગોરસિયા તથા તમામ કાર્યકારો અમારી પ્રેરણા છે. યુકેના તમામ સ્વામિનારાયણ મંદિરો-હરિભક્તોનો સાથ છે.
માવજીભાઇએ પૂર્વ પ્રમુખ વેલજીભાઇ પરબત વેકરિયા, અગ્રણી વિનોદભાઇ હરિભાઇ હાલાઇ તથા સમગ્ર ટીમનો ખાસ આભાર માનીને સૌ ખભેખભા મિલાવી ભવિષ્યને ઉજ્જવળ બનાવવા તમામ લોકોના સહકારની અપેક્ષા રાખીને સૌએ સમય સમય પર સારું કાર્ય કર્યું હોવાની પણ નોંધ લીધી હતી.