યુકેના સૌપ્રથમ સનાતન હિંદુ ધર્મ અંત્યેષ્ટી સંસ્કાર ભવન- ઓમ ક્રિમેટોરિયમની ભૂમિપૂજન વિધિનું આયોજન 15 જુલાઇએ કરવામાં આવ્યું હતું. સંત ભગવંત સાહેબજીની દિવ્ય હાજિરીમાં અનુપમ મિશન યુકે દ્વારા ડેનહામ ખાતે આયોજિત આ એતિહાસિક પ્રસંગે પૂજ્ય શાંતિદાદા, પૂજ્ય અશ્વિનભાઇ, યજમાન સહિત ધાર્મિક, રાજકીય, સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ભારતની યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન ડૉ. મનોજભાઈએ વૈદિક રીતિથી ભૂમિપૂજન વિધિ સમ્પન્ન કરાવિ અને ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને સંવર્ધિત કરવા માર્ગદર્શન પ્રદાન કર્યો.
આ પછી પ્રવચનમાં પૂજ્ય સાહેબજીએ કહ્યું, આ સુંદર કાર્યનું પ્રારંભ આપ સહુના સહકારથી થઈ રહ્યું છે, એનો હૃદયમાં અનેરો આનંદ છે. પૃથ્વી પર સહુને સુખી કરવા ભગવાનના અવતારો પ્રગટ થયા પણ માણસ સમજ્યો નહિં અને પોતાની બુદ્ધિ, આવડતથી ઘણું બધું પ્રાપ્ત તો કર્યું પણ ભગવાનને ભૂલ્યો. એટલે જ ખરો સુખ અને આનંદ મેળવી શકતો નથી. ભગવાને જે આપ્યું છે એનો ઉપયોગ સમગ્ર માનવ જાતિના ઉત્કર્ષ માટે કરવું જોઇયે. જ્યારે કોઇ પણ અશક્ય વસ્તુ શક્ય બને તો લાગે છે કે ભગવાનની શક્તિ કામ કરે છે. બધા જ ધર્મ પરસ્પર પ્રેમ પ્રગટાવવા માટેના માધ્યમ છે. ધાર્મિક અને સામાજિક ટ્ર્સ્ટ જો બધા એક થઇને કામ કરે તો ઓમ ક્રિમેટોરિયમ જેવા ઉમ્દા હેતુ પ્રાપ્ત કરી શકાય. અહંકાર અને અપેક્ષા વગર સેવા હોવી જોઇયે. 12-18 મહીનામાં આ ક્રિમેટોરિયમ આકાર લઈને કાર્યરત થાય એવી પ્રભુચરણમાં પ્રાર્થના.
ઓમ ક્રિમેટોરિયમ પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે સલાહ-સૂચન ઓપન ફોરમ 30 જુલાઇએ
ઓમ ક્રિમેટોરિયમને લઇને કોઇ પણ સમાજ, સંસ્થા, વ્યક્તિને પ્રશ્ન-આપત્તિ હોય અથવા સલાહ-સૂચન હોય તો એના માટે 30 જુલાઇ શનિવારે સવારે 10:30 કલાકે અનુપમ મિશન, ડેનહામમાં ઓપન ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થા અને સનાતન હિંદુ આગેવાનોએ દરેક વર્ગના લોકોને મોટી સંખ્યામાં જોડાવવાની અપીલ કરી છે.