વિશ્વ હિંદુ પરિષદ યુકે (VHP) દ્વારા ૪ ઓક્ટોબરને રવિવારે પ્રથમ ઓલ યુકે હિંદુ મંદિર એક્ઝિક્યુટિવ્સ કોન્ફરન્સનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું. ત્રણ કલાકના આ ઓનલાઈન સંમેલનમાં દેશભરના ૯૪ ટાઉનના ૧૩૫ મંદિરોના ૨૦૦ સિનિયર એક્ઝિક્યુટિવ્સ અને પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સંમેલનમાં નોર્થમાં એબરડીન, બેલફાસ્ટથી કાર્ડીફ (વેસ્ટ), હલ (ઈસ્ટ) થી સાઉધમ્પટન (સાઉથ)ના મોટા મંદિરો તેમજ નવા અને નાના મંદિરોના પ્રતિનિધિઓ જોડાયા હતા. તેમણે વિવિધ સંપ્રદાયો, ભાષાકીય જૂથ અને દેશોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સંમેલનને હિંદુ ફોરમ ઓફ બ્રિટન (HFB), હિંદુ કાઉન્સિલ (HCUK), નેશનલ કાઉન્સિલ ઓફ હિંદુ ટેમ્પલ્સ (NCHT) અને નેશનલ હિંદુ સ્ટુડન્ટ્સ ફોરમ (NHSF) જેવી મુખ્ય રાષ્ટ્રીય હિંદુ સંસ્થાઓનું સમર્થન પ્રાપ્ત હતું.
બાલાજી મંદિર (બર્મિંગહામ), BAPS સ્વામીનારાયણ મંદિર (નીસડન) અને ભક્તિવેદાંત મેનોર (વોટફર્ડ)થી દીપ પ્રાગટ્ય અને કૃષ્ણકાંત અત્રી (ન્યૂકાસલ અપોન ટાઈન) દ્વારા મંત્રોચ્ચાર સાથે સંમેલનનો પ્રારંભ થયો હતો.
પ્રતિનિધિઓને આવકારતા VHP Ukના પ્રમુખ ડો. ત્રિભોવન જોટંગીયાએ જણાવ્યું કે હિંદુ મંદિરો હિંદુ સમાજના હૃદય સમાન છે. HMEC UK નો ઉદ્દેશ યુકેના વૈવિધ્યપૂર્ણ હિંદુ સમાજની સતત બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા મંદિરોને વધુ અસરકારક અને ગતિશીલ બનાવવા માટેના ઉપાયો શોધવાનો છે.
HSS એક્ટિવિટિઝના આંતરરાષ્ટ્રીય કો-ઓર્ડિનેટર ડો. રામ વૈદ્યે ચાવીરૂપ વક્તવ્યમાં પ્રાચીન કાળથી મંદિરનો અભિગમ અને ભૂમિકાનું વર્ણન કર્યું હતું અને મંદિરને સામાજિક જીવનનો સ્તંભ શા માટે કહેવાય છે તેની માહિતી આપી હતી. તેમણે મંદિરના હેતુની મુખ્ય ત્રણ બાબતો - શિક્ષણ, સંસ્કાર અને સુરક્ષા હેઠળ વિસ્તૃત સમજ આપી હતી.
ત્યારબાદ કોવિડ-૧૯ની મંદિરો પર થયેલી અસર તેમજ સરકારની વિવિધ ગાઈડલાઈન્સ અંગે પેનલ ડિસ્કશન થયું હતું. HFB, HCUK અને NCHTના વડાઓએ વર્તમાન પરિસ્થિતિ વિશે સ્પષ્ટતા કરી હતી અને પ્રતિનિધિઓના પ્રશ્રોના જવાબ આપ્યા હતા.
સંમેલનમાં છ વિષયો પર ૧૫થી ૨૦ પ્રતિનિધિઓના નાના ગ્રૂપમાં વર્કશોપ યોજાઈ હતી. સંમેલનમાં દરેક વર્કશોપની માહિતી અપાઈ હતી. ત્યારબાદ, HSS UK ના પ્રમુખ ધીરજ શાહે તમામ વાતોને વણી લઈને પ્રેરક સમાપન વક્તવ્ય આપ્યું હતું. તેમણે સંમેલનના સફળ આયોજન બદલ VHP UK ને અભિનંદન પાઠવ્યા હતા.
સંમેલનનું સમાપન આભારવિધિ તથા VHP ના ડિરેક્ટર ઓફ એજ્યુકેશન પ્રો. નવલકાંત પંડ્યા દ્વારા શાંતિમંત્રના ગાન સાથે થયું હતું.
સંમેલન વિશે પ્રતિભાવમાં HCUKના સેક્રેટરી રજનીશ કશ્યપ, ભક્તિવેદાંત મેનોરના પ્રેસિડેન્ટ વિશાખા દાસી, BAPS સ્વામીનારાયણ મંદિરના ચેરમેન ટ્રસ્ટી ડો. મયંક આર શાહ અને બાલાજી ટેમ્પલ બર્મિંગહામના પ્રેસિડેન્ટ ડો. કનાગરત્નમે જણાવ્યું કે આ પ્રકારનું સંમેલન યોજાય તે જરૂરી હતું. તેમાં થયેલી ચર્ચા માહિતીપ્રદ અને ખૂબ ઉપયોગી હતી. સૌએ આ સંમેલનના આયોજન બદલ VHP UK ને અભિનંદન પાઠવ્યા હતા.